ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય

ગુજરાતમાં આવેલું રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય
(ગીર રાષ્ટ્રીય ઉદ્યાન થી અહીં વાળેલું)

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય (જે "ગીરનું જંગલ" કે "સાસણ-ગીર" તરીકે પણ ઓળખાય છે) ગુજરાતમાં આવેલું જંગલ અને વન્યજીવન અભયારણ્ય છે. તેની સ્થાપના ૧૯૬૫માં કરવામાં આવી હતી. તે કુલ ૧,૪૧૨ ચો.કી.મી. (૨૫૮ ચો.કી.મી. રાષ્ટ્રીય ઉદ્યાન અને ૧,૧૫૩ ચો.કી.મી. અભયારણ્ય)ના વિસ્તારમાં ફેલાયેલ છે. આ ઉપરાંત પાણીયા અને મીતીયાળા વન્યજીવન અભયારણ્ય પણ ગીરના જ ભાગ ગણવામાં આવે છે, જેનો આ આંકડામાં સમાવેશ કરેલો નથી.[૧] આ ઉદ્યાન વેરાવળથી લગભગ ૪૩ કી.મી. ઈશાન (ઉત્તર-પૂર્વ)માં, તેમજ ધારી અને વિસાવદરથી દક્ષિણ દિશા તરફ આવેલો છે.

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય
આઈ.યુ.સી.એન. શ્રેણી ૨ (રાષ્ટ્રીય ઉદ્યાન)
સિંહ અને કુટુંબ, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે
Map showing the location of ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય
Map showing the location of ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યનું ગુજરાતમાં સ્થાન
સ્થળજુનાગઢ જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો અને અમરેલી જિલ્લો ગુજરાત, ભારત
નજીકનું શહેરવેરાવળ
અક્ષાંશ-રેખાંશ21°08′08″N 70°47′48″E / 21.13556°N 70.79667°E / 21.13556; 70.79667
વિસ્તાર૨૫૮ ચો.કિ.મી. રાષ્ટ્રીય ઉદ્યાન અને ૧,૧૫૩ ચો.કિ.મી. અભયારણ્ય
સ્થાપના૧૯૬પ
મુલાકાતીઓ૬૦૧૪૮ (in ૨૦૦૪)
નિયામક સંસ્થાForest Department of Gujarat

એશિયાઇ સિંહો (Panthera leo persica)નું એકમાત્ર રહેઠાણ છે અને એશિયાના અતિ મહત્ત્વના રક્ષિત વિસ્તાર તરીકે ધ્યાને લેવાયેલ છે. ગીરનું જીવપારિસ્થિતિક તંત્ર, તેની વિવિધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ સાથે સરકારી વન વિભાગ, વન્યજીવન કાર્યકર્તાઓ અને સ્વૈચ્છિક સામાજીક સંસ્થાઓના સખત પ્રયત્નો દ્વારા રક્ષાયેલું છે. જુનાગઢના નવાબ દ્વારા સને ૧૯૦૦ની શરૂઆતથી ગીરનો જંગલ વિસ્તાર અને તેના સિંહોને "રક્ષિત" જાહેર કરાયેલા. આ પહેલ સિંહોના રક્ષણમાં ખૂબ મદદરૂપ બની કે જેમની વસતી શિકારની પ્રવૃતિને કારણે ત્યારે ફક્ત ૧૫ જેટલી જ રહી ગઈ હતી.

એપ્રિલ ૨૦૦૫ની સિંહોની વસ્તી ગણતરી મુજબ ગીરમાં ૩૫૯ સિંહ નોંધાયેલા હતા, જે ૨૦૦૧ની સરખામણીએ ૩૨નો વધારો સૂચવે છે. 'સિંહ પ્રજનન કાર્યક્રમ' હેઠળ ઉદ્યાન અને આસપાસના પ્રદેશમાં, બંધીયાર અવસ્થામાં, અત્યાર સુધીમાં સિંહોની ૧૮૦ નસલને રક્ષણ આપવામાં આવ્યું છે. એપ્રિલ ૨૦૧૦ની સિંહોની વસ્તી ગણતરી મુજબ ગીરમાં ૪૧૧ સિંહ નોંધાયા હતા, જે ૨૦૦૫ની સરખામણીએ ૫૨નો વધારો સૂચવે છે. ૨૦૧૫ની વસતિ ગણતરી મુજબ ગીર અને આસપાસના વિસ્તારોમાં ૫૨૩ સિંહ નોંધવામાં આવ્યા, જે એ અગાઉની ૨૦૧૦ના વર્ષ કરતાંં ૧૧૨નો વધારો સૂચવે છે.[૨]

આબોહવા

શિયાળો અને ઉનાળો એ બે ઋતુઓ સિવાય, ગીરમાં ઉષ્ણકટિબંધીય ચોમાસુ પણ હોય છે. ઉનાળામાં અહીં બહુ જ ગરમી પડે છે. બપોરના સમયે તાપમાન ૪૩° સે. (૧૦૯° ફે.) જેટલું હોય છે અને ચોમાસા દરમિયાન જૂન માસમાં પણ ઘણો ભેજ હોય છે. શિયાળામાં તાપમાન લગભગ ૧૦° સે. (૫૦° ફે.) જેટલું નીચું આવી જાય છે. અહીં સામાન્ય રીતે ચોમાસુ મધ્ય જૂનથી શરૂ થઈ અને સપ્ટેમ્બર સુધીનું હોય છે, જે દરમિયાન વાર્ષિક વરસાદનો દર ૬૦૦ મીમી.થી ૧૦૦૦ મીમી. જેટલો રહે છે. જો કે અનિયમિત ચોમાસા અને સમગ્ર દ્વીપકલ્પમાં વરસાદની અસમાન વહેંચણીને કારણે અહીં દુકાળ પડવો સામાન્ય ગણાય છે.

ઉદ્યાન અને અભયારણ્ય, જૂનથી સપ્ટેમ્બર સુધી બંધ રહે છે. પરંતુ ઠંડા અને સુકા હવામાનમાં, નવેમ્બરના અંતથી માર્ચની શરૂઆત સુધીનો સમય, પ્રવાસીઓ માટે મુલાકાતનો ઉત્તમ સમય ગણાય છે. આ સમય દરમિયાન વન્યજીવોને ખુલ્લામાં ફરતા જોવાનો લહાવો મળી જાય છે.

ભૂગોળ

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય.

નદીઓ

ગીર વિસ્તારમાં હીરણ, શેત્રુંજી, ધાતરવડી, સાંગાવાડી કે શિંગોડા, મછુન્દ્રી, રૂપેણ અને રાવલ એમ સાત મુખ્ય નદીઓ આવેલ છે.

જળાશયો

કમલેશ્વર જળાશય

હિરણ, મછુન્દ્રી, રાવલ અને શીંગોડા નદીઓ પર ચાર બંધ બનાવવામાં આવેલ છે જેમાંંનો સૌથી મોટો અનામત જળસ્ત્રોત કમલેશ્વર બંધ, કે જે "ગીરની જીવાદોરી" ગણાય છે, તે મુખ્ય જળાશય છે.

ઉનાળામાં, વન્યજીવોને લગભગ ૩૦૦ જળાશયો પર પીવાનું પાણી ઉપલબ્ધ હોય છે. જ્યારે દુકાળ કે ઓછો વરસાદ થાય ત્યારે આમાનાં મોટાભાગના જળાશયો પર પાણી હોતું નથી, અને પાણીની તંગી ગંભીર સમસ્યા ધારણ કરે છે(મુખ્યત્વે અભયારણ્યનાં પૂર્વીય ભાગમાં). ઉનાળાના આવા સમયે જળપુરવઠો ઉપલબ્ધ કરાવવો તે વનવિભાગના કર્મચારીઓનું મુખ્ય કાર્ય બની રહે છે.

વન્યસૃષ્ટિ

ડેડકડી વિસ્તારનું જંગલ, સાસણ ગીર

વનસ્પતિ સૃષ્ટિ

ઈ.સ. ૧૯૫૫માં સાંતાપોઉ અને રાયજાદાએ કરેલા ગીર જંગલના સર્વેક્ષણ અનુસાર અહીં વનસ્પતિની ૪૦૦થી વધુ પ્રજાતિઓ મળી આવી હતી. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ વિશ્વવિદ્યાલયે તેમના સર્વેક્ષણમાં આ આંકડો ૫૦૭નો નોંધ્યો છે અને ગીરનો સિંહ પુસ્તક અનુસાર ૬૦૦ કરતાંં વધારે વનસ્પતિની પ્રજાતિઓ અસ્તિત્વ ધરાવે છે.[૩] ૧૯૬૪ના ચેમ્પીયન એંડ શેઠના જંગલના વર્ગીકરણમાં આને "5A/C-1a—અતિ શુષ્ક સાગ જંગલ" તરીકે વર્ગીકૃત કરાયું. સાગ શુષ્ક પાનખર પ્રજાતિ તરીકે ઉત્પન્ન થાય છે. આથી આગળ પેટા વર્ગીકરણમાં તેને આ રીતે વર્ગીકૃત કરાયું છે: ૧) 5/DS1-શુષ્ક પાનખર ઝાંખરાના જંગલ અને ૨) 5/DS1-શુષ્ક સવાના જંગલ (સ્થાનીય રીતે તેને વીડી તરીકે ઓળખાય છે). પશ્ચિમ ભારતનું આ સૌથી મોટું શુષ્ક પાનખર જંગલ છે. સાગનાં વૃક્ષો ધરાવતો ભાગ જંગલના પૂર્વ ભાગમાં છે જે આ ક્ષેત્રનો અડધો ભાગ રોકે છે. આ જંગલ એક મહત્ત્વપૂર્ણ જૈવિક સંશોધન ક્ષેત્ર હોવા સાથે એક વૈજ્ઞાનિક, શૈક્ષણિક, મનોરમ્ય અને મનોરંજક મહત્ત્વ ધરાવતું ક્ષેત્ર છે. આ ક્ષેત્ર લગભગ ૫૦,૦૦,૦૦૦ કિગ્રા વાર્ષિક વાવેતર દ્વારા પૂરું પાડે છે જેની કિંમત રૂ. ૫૦ કરોડ જેટલી છે. આ જંગલ વર્ષે ૧૫,૦૦૦ મેટ્રીક ટન જેટલું બળતણ પૂરું પાડે છે.

પ્રાણી સૃષ્ટિ

૨૩૭૫ પ્રાણી પ્રજાતિ ધરાવતી ગીર પ્રાણીસૃષ્ટિમાં ૩૯ પ્રકારના સસ્તન પ્રાણીઓ, ૩૦૦ કરતાંં વધુ પ્રકારના પક્ષીઓ, ૩૭ સરીસૃપો અને ૨૦૦૦થી વધુ કીટકોનો સમાવેશ થાય છે.[૩]

માંસાહારીમાં મુખ્યત્વે એશિયાઇ સિંહ, દીપડો, જંગલી બિલાડી, પટ્ટીત ઝરખ, શિયાળ, નોળિયો, જબાદીયુ, અને રતેલ જેવા પ્રાણીઓ છે. રણ બિલાડી અને કાંટાળી-ટીપકાળી બિલાડીનું અસ્તિત્વ છે, પણ ભાગ્યે જ દેખાય છે.

શાકાહારીમાં મુખ્યત્વે ચિત્તળ, રોઝ(નીલગાય), સાબર, ચોસિંગા, ચિંકારા અને જંગલી ડુક્કર છે. આસપાસના ક્ષેત્રોના કાળિયાર ક્યારેક અભયારણ્યમાં દેખાય છે.

નાનાં સસ્તન પ્રાણીઓમાં, શાહુડી અને સસલાં સામાન્ય છે અને કીડીખાઉ વિરલ છે. સરીસૃપોમાં પ્રમુખ છે મગર (જેની અહીં ભારતના કોઈપણ સંરક્ષીત જંગલ કરતાં વધુ વસતિ છે), ભારતીય તારક કાચબા અને ઘો જળ સ્રોતની આજુબાજુ જોવા મળે છે. જંગલો અને છોડવાઓમાં સાપ મળી આવે છે. ઝરણાને કિનારે અજગર જોવા મળે છે. ગુજરાત રાજ્ય જંગલ વિભાગ જેણે ૧૯૭૭માં ભારતીય મગર સંવર્ધન યોજનામાં ભાગ લીધો હતો, તેમણે ગુજરાતના ગીર સંવર્ધન ક્ષેત્રમાં ઉછેરેલા ૧૦૦૦ મગરને કમલેશ્વર તળાવ અને અન્ય તળાવોમાં છોડ્યાં હતા.

ખેચર સૃષ્ટિમાં લગભગ ૩૦૦ પ્રજાતિના પક્ષીઓ છે, તેમાંના મોટાં ભગના ઘણાં અહીંના સ્થાનિક પક્ષીઓ છે. મૃતભક્ષી પક્ષીઓમાં અહીં ગીધની ૬ પ્રજાતિ જોવા મળે છે. પક્ષીઓની અમુક સામાન્ય પ્રજાતિઓ છે, દા.ત. ચોટલીયો સાપમાર, નામશેષ બોનેલ્લીનું ગરુડ, મોર બાજ, મચ્છીમાર ઘુવડ, મોટું ઘુવડ, લાવરી, નાનો લક્કડખોદ, કાળામાથું પીલક, કલગી ટ્રીસ્વીફ્ટ અને નવરંગ. ૨૦૦૧ની વસતિ ગણતરીમાં ચિલોત્રા નહોતા દેખાયાં.

ગીરનાં જંગલનાં આકર્ષણ
ચિત્તલદિપડોલોમડીચોટલીયો સાપમાર ગરૂડનવરંગમગર
ચિલોત્રોઅજગરકીડીખાઉનિલગાય અથવા રોઝતારક કાચબોજંગલી ડુક્કર અથવા જંગલી ભુંડ અથવા સુવ્વર
શાહુડી

એશિયાઇ સિંહનો આવાસ, વિતરણ અને વસ્તી

બધા જ પ્રકારના સિંહોની વસતીનો ભુતકાળ અને વર્તમાન. લાલ રંગ ભુતકાળનો વ્યાપ દર્શાવે છે અને ભુરો રંગ વર્તમાન વ્યાપ દર્શાવે છે

એશિયાઇ સિંહનો આવાસ ખુલ્લો વગડો અને ઝાડી ઝાંખરા વાળો વનપ્રદેશ છે. આ સિંહો એક સમયે ઉત્તર આફ્રિકા, નૈઋત્ય (દક્ષિણ-પશ્ચિમ) એશિયા અને ઉત્તરીય ગ્રીસમાં પણ જોવા મળતા હતા. હાલમાં અહીંયા ૫૨૩ જેટલા એશિયાઇ સિંહો જ જંગલમાં બચ્યા છે, જે ફક્ત ગીરના જંગલ અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે. આમ તો જોકે ગીરનું જંગલ સારી રીતે રક્ષીત છે, છતાં ક્યારેક સિંહોના શિકારની ઘટનાઓ જાણવા મળે છે. તે ઉપરાંત પાલતુ પશુઓ પરનાં હુમલાઓને કારણે ઝેર આપવાની ઘટનાઓ પણ બને છે. ક્યારેક જળપ્રલય, આગ, મહામારીઓ કે અન્ય કુદરતી આપદાઓ પણ તેમને નુકશાન પહોંચાડે છે. ગીર ઉદ્યાન તો પણ સિંહોને માટે લાંબા સમય સુધી અસ્તીત્વ ટકાવી રાખવા માટેનું શ્રેષ્ઠ સ્થળ બનેલું છે.

ગીરનાં જંગલનું મુખ્ય આકર્ષણ
નર એશીયાઇ સિંહમાદા એશીયાઇ સિંહ (સિંહણ)બાળ એશીયાઇ સિંહ
(પાઠડો સિંહ)
નર એશીયાઇ સિંહનર એશીયાઇ સિંહ

સિંહ પ્રજનન કાર્યક્રમ અને સિંહોની વસ્તી ગણતરી

વર્ષસંખ્યાનર:માદા:બચ્ચાંવધારો/ઘટાડો
૧૯૬૮૧૭૭--
૧૯૭૪૧૮૦-+૩
૧૯૭૯૨૦૫૭૬:૧૦૦:૮૫+૨૫
૧૯૮૪૨૩૯૮૮:૧૦૦:૬૪+૧૪
૧૯૯૦૨૮૪૮૨:૧૦૦:૬૭+૪૫
૧૯૯૫૩૦૪૯૪:૧૦૦:૭૧+૨૦
૨૦૦૦૩૨૭-+૪૩
૨૦૦૫૩૫૯-+૨૩
૨૦૧૦૪૧૧૯૭:૧૬૨:૧૫૨+૫૨
૨૦૧૫[૨]૫૨૩૧૦૯:૨૦૧:૨૧૩+૧૧૨
૨૦૨૦[૪]૬૭૪૧૬૧:૨૬૦:૨૫૩+૧૫૧

સિંહ પ્રજનન કાર્યક્રમ અંતર્ગત સિંહોના પ્રજનન અને પ્રજનન કેંદ્રોના દેખભાળ કરવાનું કાર્ય કરવામાં આવે છે. અશિયાઈ સિંહોની વર્તણૂકનો અભ્યાસ અને કૃત્રીમ વીર્યસચન જેવા કાર્યો પણ આ કાર્યક્રમ અંતર્ગત હાથ ધરાય છે. આવું એક કેન્દ્ર જૂનાગઢના સક્કરબાગ પ્રાણીબાગમાં આવેલું છે જેણે લગભગ ૧૮૦ જેટલા સિંહોનું સફળતાપૂર્વક સંવર્ધન કરાવ્યું છે. આ કેંદ્ર દ્વારા ભારતના અને વિશ્વના સમગ્ર પ્રાણીબાગોમાં ૧૨૬ શુદ્ધ અશિયાઈ સિંહો મોકલાવ્યાં છે.

દર પાંચ વર્ષે સિંહોની વસતિ ગણતરી કરાય છે. પહેલાના સમયમાં સિંહોના પંજાને શોધી ને વસતિ ગણવાની પરોક્ષ રીતો અપનાવાતી હતી. પણ, એપ્રિલ ૨૦૦૫ની વસતિ ગણતરીમાં (જે આમ તો ૨૦૦૬માં કરાવાની હતી પણ ભારતમાં વાધની નામશેષ થતી પ્રજાતિના અહેવાલને કારણે વહેલી કરાવાઈ), "ક્ષેત્રીય-સીધી-કુલ ગણના" રીત જંગલ વિભાગના ૧૦૦૦ કર્મચારીઓ વિશારદો અને સ્વયંસેવકોની મદદ લઈને હાથ ધરાઈ. આનો અર્થ એમ થયો કે જેમની ગણના થઈ તેમને આંખે જોવાયા હતાં. આ વખતે સિંહને જીવતા પ્રાણીનાં મારણની લાલચ આપવાની પદ્ધતિને અપનાવાઈ ન હતી. ગુજરાત હાઈ કોર્ટૅનો પ્રાણીઓને વાપરવા વિરોધનો સન ૨૦૦૦નો આદેશ આનું કારણ હતું.

ગીર પરિચય વિભાગ, દેવળીયા

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં પ્રવાસીઓ માટે કોઈ ક્ષેત્ર અંકિત નથી. પણ પ્રાણીઓને માનવ અસ્તિત્વથી થતા ત્રાસથી બચાવવા દેવળીયા પાસે એક પરિચય ક્ષેત્ર બનાવવામાં આવ્યું છે. આની દ્વી-દ્વાર પ્રવેશવાળી સાંકળવાળી વાડની ભીતર ગીરમાં જોવા મળતી બધી પ્રજાતિ તેમનો ખોરાક, તેમનું જીવન, પાંજરામાં માંસાહારી પ્રાણીઓ, આદિ જોઈ શકાય છે. સામાન્ય રીતે આની સીમાની અંદર ૧૦ નંગ ચિત્તળ, ૧૦૦ નંગ નીલ ગાય, ૧૫ નંગ જંગલી ડુક્કર, અડધો ડઝન સાબર અને કાળીયાર ને અન્ય પશુઓ, સરીસૃપો અને પક્ષીઓ સાથે રાખવામાં આવ્યાં છે. આ સાથે મર્યાદિત સંખ્યાંમાં પ્રવાસીઓને નિર્ધારીત માર્ગે જવાની પરવાનગી અપાય છે.

એશિયાઈ સિંહ પરિચય પરિયોજના

છેલ્લા એક દાયકાથી વિશ્વની બીજી માનવ વસતિ રહિત એશિયાઈ સિંહ અરણ્યની યોજના પર કામ ચાલી રહ્યું છે. ભારતીય વન્યજીવ સંસ્થાનના સંશોધકોએ પુષ્ટિ કરી છે કે મધ્ય પ્રદેશનું પાલપુર-કુણો વન્યજીવન અભયારણ્ય એશિયાઈ સિંહના નવા પુનર્વસન સ્થાન તરીકે સૌથી ઉપયુક્ત સ્થળ છે અને તે સિંહોના પ્રથમ જૂથના પુનઃ વસવાટ માટે તૈયાર છે. [૫] ગીર વન્યજીવન અભયારણ્યમાં હવે સિંહોની વસતિ અત્યંત વધી ગઈ છે. કુણો વન્યજીવન અભયારણ્યને પસંદ કરવામાં આવ્યું તેનું કારણ એ છે કે ઇ.સ. ૧૮૭૩ સુધી આ જ સ્થળે સિંહોની વસતિ હતી જ્યાં તેમનો શિકાર કરીને તેમને નામશેષ કરી દેવાયા હતા.[૬]

પ્રવાસન માહિતી

સિંહ સદન
પ્રવાસીઓ માટેનું માહિતી કેન્દ્ર

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં મુલાકાતીઓ માટે સિંહ સદન નામના એક અત્યાધુનિક સગવડતાવાળા ઊતારાની વ્યવસ્થા છે. ઉપરાંત ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં પ્રવાસીઓ માટે પ્રવાસીઓને સઘળી માહિતી અને પૂરતું માર્ગદર્શન મળી રહે તે માટે વન ખાતા તરફથી એક માહિતી કેન્દ્ર ચલાવવામાં આવે છે. સિંહ સદનથી જીપ સફારી અને ગાઇડ ભાડે મેળવી જંગલમાં વન્યસૃષ્ટિના દર્શન માટે જઈ શકાય છે. આ માટે વન વિભાગ તરફથી નીચે પ્રમાણેના ૮ પ્રવાસી માર્ગ જાહેર કરવામાં આવ્યા છે. એક માર્ગ પર ૨ કલાકની સફરની પરવાનગી મળે છે. ઋતુ અને હવામાન મુજબ દિવસના અમુક હિસ્સાઓ (સવારે ૬થી ૮, ૯થી ૧૧, સાંજે ૩થી ૫ અને ૫થી ૭) દરમ્યાનમાં જ આ સફર પર જવા દેવામાં આવે છે.

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં જાહેર કરવામાં આવેલા પ્રવાસી રસ્તાઓ
ક્રમઉપડવાનું સ્થળઅહીંયા થઈનેઅહીંયા સુધીપરિભ્રમણની લંબાઈ (કિ.મી.માં)
સાસણખોખરા-સિરવાણ-દેવાડુંગર-સિરવાણ-ખોખરા-બાવળવાળા ચોક-કમલેશ્વર-કનકાઇ ચેકપોસ્ટસાસણ૪૫
સાસણભંભાફોળ-રાયડી-ડેડકડી-કેરંભા-ખડા-પીળીપાટ-રતનધુના-કનકાઇ ચેકપોસ્ટસાસણ૪૨
સાસણકનકાઇ ચેકપોસ્ટ-સાસણ-કમલેશ્વર-બાવળવાળા ચોક-ખોખરા-સિરવાણ-દેવાડુંગર-સિરવાણ-ખોખરાસાસણ૪૫
સાસણબાવળવાળા ચોક-મીંઢોળીવાળા-કમલેશ્વર-બાવળવાળા ચોક-કનકાઇ ચેકપોસ્ટ-રતનધુના-કડેલી-રાયડી-ભંભાફોડ ચેકપોસ્ટસાસણ૪૨
સાસણકનકાઇ ચેકપોસ્ટ-રતનધુના-પીળીપાટ-ખડા-કેરંભા-પારેવિયા-રાયડી-ભંભાફોડ ચેકપોસ્ટસાસણ૩૭
સાસણકનકાઇ ચેકપોસ્ટ-રતનધુનાપીળીપાટ-ખડા-કેરંભા-ડેડકડી-રાયડીસાસણ૪૨
સાસણભંભાફોળ ચેકપોસ્ટ-રાયડી-કડેલી-રતનધુના-કનકાઇ ચેકપોસ્ટ-બાવળવાળા ચોક-કમલેશ્વર-મીંઢોળીવાળા-બાવળવાળા ચોકસાસણ૪૦
સાસણકનકાઇ ચેકપોસ્ટ-બાવળવાળા ચોક-કમલેશ્વર-બાવળવાળા ચોક-કનકાઇ ચેકપોસ્ટસાસણ૨૨

આ પણ જુઓ

સંદર્ભ

બાહ્ય કડીઓ

Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:
🔥 Top keywords: