તારક મહેતા

ગુજરાતી નાટયલેખક અને હાસ્યલેખક

તારક જનુભાઈ મહેતા ‍‍(૨૬ ડિસેમ્બર ૧૯૨૯ - ૧ માર્ચ ૨૦૧૭) પ્રખ્યાત ગુજરાતી નાટ્યલેખક અને હાસ્યલેખક હતા.[૧][૨] તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. ૧૯૪૫માં મૅટ્રિક પાસ કર્યા બાદ ૧૯૫૬માં ખાલસા કૉલેજમાંથી શિક્ષણ લીધું હતું અને મુંબઈથી ગુજરાતી વિષય સાથે બી.એ., ૧૯૫૮ માં ભવન્સ કૉલેજ, મુંબઈથી એ જ વિષયમાં એમ.એ.ની પદવી મેળવી હતી.

તારક મહેતા
તારક મહેતા અમદાવાદ ખાતેના તેમના નિવાસસ્થાને, ૨૦૦૯
તારક મહેતા અમદાવાદ ખાતેના તેમના નિવાસસ્થાને, ૨૦૦૯
જન્મ(1929-12-26)December 26, 1929
અમદાવાદ, ગુજરાત
મૃત્યુMarch 1, 2017(2017-03-01) (ઉંમર 87)
વ્યવસાયઅધિકારી, લેખક
શિક્ષણબી.એ., એમ.એ.
નોંધપાત્ર પુરસ્કારોપદ્મશ્રી
જીવનસાથીઓઇલા, ઇંદુ

વ્યવસાય

તેઓ ૧૯૫૮-૫૯માં ગુજરાતી નાટ્યમંડળના કાર્યાલયમાં કાર્યકારી મંત્રી, ૧૯૫૯-૬૦માં પ્રજાતંત્ર દૈનિકના ઉપતંત્રી અને ૧૯૬૦થી ૧૯૮૬ સુધી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્મ્સ-ડિવિઝન, મુંબઈમાં વૃત્તાંતલેખક અને ગૅઝેટેડ અધિકારી રહ્યા હતા.

સાહિત્ય

એમણે ત્રિઅંકી નાટકો નવું આકાશ નવી ધરતી (૧૯૬૪), દુનિયાને ઊંધા ચશ્મા (૧૯૬૫), પ્રહસન કોથળામાંથી બિલાડું (૧૯૬૫) ઉપરાંત તારક મહેતાના આઠ એકાંકીઓ (૧૯૭૮) અને તારક મહેતાનાં છ એકાંકીઓ (૧૯૮૩) આપ્યાં છે.

તારક મહેતાના ઊંધા ચશ્મા (૧૯૮૧), શ્રેષ્ઠ હાસ્યરચનાઓ (૧૯૮૨), તારક મહેતાનો ટપુડો (૧૯૮૨), તારક મહેતાના ટપુડાનો તરખાટ (૧૯૮૪), દોઢડાહ્યા તારક મહેતાની ડાયરી ભા. ૧-૨ (૧૯૮૪) વગેરે એમના હાસ્યલેખસંગ્રહો છે. તારક મહેતાની ટોળી પરદેશના પ્રવાસે (૧૯૮૫)માં પ્રવાસવિષયક હાસ્યલેખો છે. એમણે મેઘજી પેથરાજ શાહ : જીવન અને સિદ્ધિ (૧૯૭૫) નામક જીવનચરિત્ર પણ લખ્યું છે. એક્શન રિપ્લે નામે તેમણે આત્મકથા લખી છે. નિખાલસ કબુલાતના સંદર્ભે આ કૃતિ ખૂબ જ ઉલ્લેખનિય છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

હિંદીમાં સબ ટીવી પરથી પ્રસારિત થતી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા નામની ટી.વી. ધારાવાહિક શ્રેણી ભારે લોકપ્રિય બની છે.[૩] પ્રસ્તુત ધારાવાહિક ચિત્રલેખાની ધારાવાહિક 'દુનિયાને ઉંધા ચશ્માં'ના આધારે તૈયાર થઇ છે.[૪]

અંગત જીવન

તારક મહેતા ૨૦૦૦ની સાલ પછી અમદાવાદમાં તેમની બીજી પત્નિ ઇંદુ (અવસાન: ૨૦૦૯) સાથે રહેતા હતા. તેમની પ્રથમ પત્નિ ઇલા જેઓ પછીથી મનોહર જોશી સાથે પરણ્યા હતાં, પણ તેમની બાજુની ઇમારતમાં રહેતા હતા. તેમની પુત્રી ઇશાની યુ.એસ.એ. ખાતે રહે છે.[૫][૬]

પુરસ્કારો

તારક મહેતાને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરતા ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી. ૩૦ માર્ચ ૨૦૧૫.

તારક મહેતાને ૨૦૧૫માં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[૭][૨] ૨૦૧૧માં તેમને ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી સાહિત્ય ગૌરવ પુરસ્કાર મળ્યો હતો અને ૨૦૧૭માં રમણલાલ નીલકંઠ હાસ્ય પારિતોષિક મરણોત્તર એનાયત થયો હતો.[૮][૯]

સંદર્ભ

બાહ્ય કડીઓ

🔥 Top keywords: