બેગમ હઝરત મહલ

અવધના નવાબ વાજિદ અલી શાહના દ્વિતીય પત્ની

બેગમ હઝરત મહલ (લગભગ ૧૮૨૦ – ૭ એપ્રિલ ૧૮૭૯), જે અવધની બેગમ તરીકે પણ ઓળખાય છે, અવધના નવાબ વાજિદ અલી શાહના દ્વિતીય પત્ની હતા, અને ૧૮૫૭-૧૮૫૮માં અવધના રાજ્યાધિકારી હતા. તેઓ ૧૮૫૭ના ભારતીય વિપ્લવ દરમિયાન બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામેના બળવામાં તેમણે ભજવેલી અગ્રણી ભૂમિકા માટે જાણીતા છે.

બેગમ હઝરત મહલ
અવધના નવાબની બેગમ
બેગમ હઝરત મહલ
જન્મમોહમ્મદી ખાનુમ
1820[સંદર્ભ આપો]
ફૈઝાબાદ, અવધ
મૃત્યુ7 April 1879 (aged 59)
કાઠમંડુ, નેપાળ
પતિનવાબ વાજીદ અલી શાહ
ધર્મશિયા મુસ્લિમ[૧]

તેમના પતિને કલકત્તામાં દેશનિકાલ કરવામાં આવ્યા બાદ અને ભારતીય બળવો ફાટી નીકળ્યો તે પછી તેમણે તેમના પુત્ર પ્રિન્સ બિરજીસ કાદરને અવધના વાલી (શાસક) બનાવ્યા હતા અને તેમની જાતને વારસ પુત્રની અલ્પાવધિના સમયમાં રાજ્યના રખેવાળ સત્તાધીશ તરીકે સ્થાપિત કર્યા હતા. જો કે, ટૂંકા શાસન બાદ તેને આ ભૂમિકા છોડી દેવાની ફરજ પડી હતી.[૨] હલ્લૌરના રસ્તે, આખરે તેમને નેપાળમાં આશ્રય મળ્યો, જ્યાં ૧૮૭૯માં તેમનું અવસાન થયું. બળવામાં તેમની ભૂમિકાએ તેમને ભારતના સંસ્થાનવાદ પછીના ઇતિહાસમાં નાયિકાનો દરજ્જો આપ્યો છે.

જીવન પરિચય

પ્રારંભિક જીવન

બેગમ હઝરત મહેલનું નામ મોહમ્મદી ખાનુમ હતું અને તેમનો જન્મ ૧૮૨૦માં અવધ રાજ્યની પૂર્વ રાજધાની ફૈઝાબાદમાં થયો હતો. તેણીને તેના માતાપિતાએ વેચી દીધી હતી અને વ્યવસાયે તવાયફ બની હતી. શાહી એજન્ટોને વેચી દેવામાં આવ્યા બાદ તે ખવાસીન તરીકે શાહી હરમમાં પ્રવેશી હતી, જ્યાં તેને પરીમાં પદોન્નતિ આપવામાં આવી હતી,[૩] અને તે મહેક પરી તરીકે ઓળખાતી હતી.

અવધના રાજાની રાજવી રખાત તરીકે સ્વીકારાયા બાદ તેઓ બેગમ બન્યા હતા,[૪] અંતિમ તાજદાર-એ-અવધ, વાજિદ અલી શાહના કનિષ્ઠ પત્ની બન્યા[૫] અને તેમના પુત્ર બિરજીસ કાદરના જન્મ પછી તેમને 'હઝરત મહેલ'નું બિરુદ આપવામાં આવ્યું હતું. ૧૮૫૬માં, અંગ્રેજોએ અવધ પર કબજો જમાવ્યો અને વાજિદ અલી શાહને દેશનિકાલ કરીને કલકત્તા લઈ જવામાં આવ્યા. બેગમ હઝરત મહલ તેમના પુત્ર સાથે લખનઉમાં જ રહ્યા હતા[૬][૭] અને થોડા જ સમયમાં બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે સશસ્ત્ર સંઘર્ષમાં પ્રવેશીને વિદ્રોહી રાજ્ય અવધનો હવાલો સંભાળી લીધો હતો.[૮]

૧૮૫૭નો ભારતીય વિપ્લવ

૧૮૫૭ના ભારતીય વિપ્લવ દરમિયાન, બેગમ હઝરત મહેલના સમર્થકોના જૂથે રાજા જયલાલ સિંઘની આગેવાની હેઠળ અંગ્રેજોના દળો સામે બળવો કર્યો હતો; તેઓએ લખનઉ પર કબજો જમાવ્યો અને તેણીએ પોતાના સગીર પુત્ર રાજકુમાર બિરજીસ કાદરના સંરક્ષક તરીકે સત્તા સંભાળી, જેને તેણીએ અવધનો શાસક (વાલી) જાહેર કર્યો હતો.[૩] સંરક્ષક તરીકે, બ્રિટિશરો સામેના બળવામાં તેઓ આપોઆપ જ નેતૃત્વની ભૂમિકા ભજવવા લાગ્યા હતા.

બેગમ હઝરત મહલની એક પ્રમુખ ફરિયાદ એ હતી કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ માર્ગનિર્માણના નામ હેઠળ મંદિરો અને મસ્જિદોને આકસ્મિક રીતે તોડી પાડ્યા હતા.[૯] બળવાના અંતિમ દિવસો દરમિયાન બહાર પાડવામાં આવેલી એક ઘોષણામાં, તેમણે પૂજાની સ્વતંત્રતાને મંજૂરી આપવાના બ્રિટીશ દાવાની મજાક ઉડાવી હતી:[૯]

ડુક્કરનું માંસ ખાવું અને દારૂ પીવો, ગ્રીસ કરેલા કારતૂસ કરડવા અને ડુક્કરની ચરબીને મીઠાઈઓ સાથે મિશ્રિત કરવી, રસ્તાઓ બનાવવાના બહાને હિન્દુ અને મુસલમાનનાં મંદિરો અને મસ્જિદોનો નાશ કરવો, ચર્ચ બાંધવા, ખ્રિસ્તી ધર્મનો ઉપદેશ આપવા પાદરીઓને શેરીઓમાં મોકલવા, અંગ્રેજી શાળાઓ શરૂ કરવી અને અંગ્રેજી વિજ્ઞાન શીખવા માટે લોકોને માસિક વજીફો આપવો, જ્યારે હિન્દુઓ અને મુસલમાનોનાં પૂજાસ્થળોની આજે પણ તદ્દન ઉપેક્ષા કરવામાં આવી છે; આ બધા સાથે, લોકો કેવી રીતે માની શકે કે ધર્મમાં દખલ કરવામાં આવશે નહીં?[૯]

હઝરત મહલ નાના સાહેબ સાથે મળીને કામ કરતા હતા, પરંતુ બાદમાં શાહજહાંપુર પરના હુમલામાં ફૈઝાબાદના મૌલવી સાથે જોડાયા હતા. જ્યારે અંગ્રેજોની આગેવાની હેઠળના દળોએ લખનઉ અને મોટા ભાગના અવધ પર કબજો જમાવ્યો ત્યારે તેમને પીછેહઠ કરવાની ફરજ પડી હતી.

ઉત્તરાર્ધ

આખરે, તેમણે નેપાળ પાછા ફરવું પડ્યું, જ્યાં શરૂઆતમાં રાણાના વડા પ્રધાન જંગ બહાદુરે તેમને આશ્રય આપવાનો ઇનકાર કર્યો હતો,[૧૦] પરંતુ બાદમાં તેમને રહેવાની મંજૂરી આપવામાં આવી હતી.[૧૧]

તેણીનું ત્યાં ૧૮૭૯માં અવસાન થયું હતું અને કાઠમંડુની જામા મસ્જિદના મેદાનમાં એક નામ વિનાની કબરમાં દફનાવવામાં આવી હતી.[૧૨]

તેમના મૃત્યુ બાદ, રાણી વિક્ટોરિયા (૧૮૮૭)ની જ્યુબિલી પ્રસંગે, બ્રિટીશ સરકારે બિરજીસ કાદરને માફ કરી દીધા હતા અને તેમને ઘરે પાછા ફરવાની મંજૂરી આપવામાં આવી હતી.[૧૩]

સ્મારક

બેગમ હઝરત મહેલની કબર કાઠમંડુના મધ્ય ભાગમાં જામા મસ્જિદ, ઘંટાઘર નજીક સ્થિત છે, જે પ્રખ્યાત દરબાર માર્ગથી બહુ દૂર નથી. જામા મસ્જિદ કેન્દ્રિય સમિતિ દ્વારા તેની દેખરેખ રાખવામાં આવે છે.[૨]

૧૫ ઓગસ્ટ ૧૯૬૨ના રોજ, હજરત મહલને મહાન બળવામાં તેમની ભૂમિકા માટે લખનઉના હઝરતગંજમાં ઓલ્ડ વિક્ટોરિયા પાર્કમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.[૧૪][૧૫][૧૬] ઉદ્યાનનું નામ બદલવાની સાથે, આરસની એક સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં આરસપહાણની એક તકતીનો સમાવેશ થાય છે, જેમાં ચાર ગોળાકાર પિત્તળની તકતીઓ છે, જેમાં અવધ રાજવી પરિવારના કોટ ઓફ આર્મ્સ હોય છે.

આ ઉદ્યાનનો ઉપયોગ દશેરા દરમિયાન રામલીલા અને આતશબાજી માટે તેમજ લખનઉ મહોત્સવ માટે કરવામાં આવે છે.[૧૭]

૧૦ મે, ૧૯૮૪ના રોજ ભારત સરકારે મહેલના માનમાં એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી હતી. તેનું પ્રથમ દિવસ આવરણ સી.આર.પ્રકાશીએ ડિઝાઇન કર્યું હતું, અને વિશેષ રદ્દીકરણ મહોર અલકા શર્માએ તૈયાર કરી હતી.[૧૮][૧૪]

ભારત સરકારના લઘુમતી બાબતોના મંત્રાલયે ભારતમાં લઘુમતી સમુદાયોની પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓ માટે બેગમ હઝરત મહેલ રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ શરૂ કરી છે. આ શિષ્યવૃત્તિ મૌલાના આઝાદ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા અમલમાં મૂકવામાં આવી છે.[૧૯][૨૦]

ચિત્રદીર્ઘા

સંદર્ભ

🔥 Top keywords: