સિતાંશુ યશશ્ચન્દ્ર

ગુજરાતી કવિ

સિતાંશુ યશશ્ચન્દ્ર મહેતા, કે જેઓ સિતાંશુ યશશ્ચન્દ્ર (જન્મ ૧૯ ઓગસ્ટ ૧૯૪૧) તરીકે જાણીતા છે, ગુજરાતી કવિ, નાટ્યલેખક, અનુવાદક અને શિક્ષણશાસ્ત્રી છે.[૧]

સિતાંશુ યશશ્ચન્દ્ર
લોકટક તળાવ ખાતે, ડીસેમ્બર ૨૦૧૬
લોકટક તળાવ ખાતે, ડીસેમ્બર ૨૦૧૬
જન્મસિતાંશુ યશશ્ચન્દ્ર મહેતા
૧૯ ઓગસ્ટ, ૧૯૪૧
ભુજ, કચ્છ, ગુજરાત, ભારત
વ્યવસાયકવિ, વિવેચક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર પુરસ્કારો
જીવનસાથી
અંજનીબેન (લ. ૧૯૬૬)
સહી

તેમનાં કાવ્ય સંગ્રહ જટાયુ માટે તેમને ૧૯૮૭નો ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર (દિલ્હી) પ્રાપ્ત થયો હતો. ૨૦૦૬માં તેમને ભારત સરકાર તરફથી ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો.[૨]

જીવન

તેમનો જન્મ ૧૯ ઓગસ્ટ ૧૯૪૧ના રોજ ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજમાં થયો હતો.[૩][૪]

કારકિર્દી

એમ.એસ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગનું મકાન

૧૯૭૨થી તેમણે મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય ખાતે ગુજરાતીનું અધ્યાપન શરૂ કર્યું હતું. તેઓ સારબોન યુનિવર્સિટી, લોયોલા મેરમાઉન્ટ યુનિવર્સિટી અને જાદવપુર યુનિવર્સિટીમાં મુલાકાતી અધ્યાપક હતા. યુનિવર્સિટી ગ્રાંટ કમિશનમાં તેઓ નિવૃત્ત અધ્યાપક અને રાષ્ટ્રીય વ્યાખ્યાતા રહી ચૂકેલા. સાહિત્ય અકાદમી દ્વારા પ્રસિદ્ધ ભારતીય સાહિત્યના વિશ્વકોશના તેઓ પ્રમુખ સંપાદક હતા.[૩][૫][૬] તેમને તુલનાત્મક સાહિત્યના વિષયમાં સંશોધન માટે ફૂલબ્રાઇટ શિષ્યવૃત્તિ અને ફોર્ડ વેસ્ટ યુરોપિયન ફેલોશીપ મળેલી. આ જ વિષયમાં તેમણે અમેરિકાની ઇન્ડયાના યુનિવર્સિટી અને મુંબઈ યુનિવર્સિટી ખાતે કાર્ય કરેલું.[૩][૫] સૌરાષ્ટ યુનિવર્સિટીમાં તેઓ ઉપ-કુલપતિ રહેલા.

તેમણે શિક્ષણ વડોદરા અને મુંબઈમાંથી લીધું. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. અને એ જ વિષયોમાં ૧૯૬૫માં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. ૧૯૬૫થી ૧૯૬૮ સુધી ગુજરાતી ભાષાના અધ્યાપક તરિકે સેવાઓ આપી. ૧૯૬૮માં ફૂલબ્રાઇટ સ્કૉલરશીપ સાથે અમેરિકા જઈ ૧૯૭૦માં સૌંદર્યશાસ્ત્ર અને તુલનાત્મક સાહિત્યમાં એમ.એ. ની ઉપાધિ મેળવી. ડૉ. ન્યૂટન પી. સ્ટોલનેસ્ટના માર્ગદર્શન હેઠળ ‘નાટ્યચાર્ય ભરતની અને ફિલસૂફ કાન્ટની પરંપરામાં કલાસ્વરૂપનો વિભાવ’ એ વિષય પર ૧૯૭૫માં પીએચ.ડી.નો મહાનિબંધ લખ્યો. તેઓ ભારત પાછા ફર્યા તે પૂર્વે એક વર્ષ ફ્રાંસમાં નિવાસ કર્યો અને ફોર્ડ ફેલોશિપ હેઠળ ત્યાં આયોનેસ્કોના ‘મૅકબેથ’ નાટકને ગુજરાતીમાં ઉતાર્યું તથા શૅક્સપિયરના ‘મૅકબેથ’ સાથે એનો તુલનાત્મક અભ્યાસ કર્યો. ભારત પાછા ફર્યા બાદ ૧૯૭૨-૭૭ દરમિયાન મુંબઈની મીઠીબાઈ આર્ટસ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે સેવાઓ આપી.

અંગત જીવન

તેમણે ૮ મે ૧૯૬૬ના રોજ અંજનીબેન સાથે લગ્ન કર્યા. તેમની પુત્રી વિપાશાનો જન્મ ૧૯૭૧માં, જ્યારે તેમના પુત્ર આરણ્યકનો જન્મ ૧૯૭૮માં થયો.[૭]

સર્જન

તેમણે મુખ્યત્વે ગુજરાતીમાં લખાણ લખ્યું છે, પરંતુ તેમનાં પુસ્તકો હિંદી અને અન્ય ભાષાઓમાં અનુવાદિત થયેલા છે. તેમણે કેટલીક કવિતાઓ, નાટકો અને વિવેચનને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદિત કરેલા છે.[૩] અતિવાસ્તવવાદ તેમની મુખ્ય શૈલી ગણાય છે.[૮]

તેમણે ૧૯૯૩ની હિંદી ફિલ્મ માયા મેમસાબની અભિનયવાર્તા લખી હતી, જે ગુસ્તાવ ફ્લોબર્ટની મેડમ બોવરી પર આધારિત હતી.[૯]

પુસ્તકો

કવિતા

  • ઓડિસીયસનું હલેસું, આર આર શેઠ એન્ડ કાું., મુંબઇ અને અમદાવાદ, ૧૯૭૪
  • મોએં-જો-દડો (ઓડિયો કેસેટ પર કવિતા), ૧૯૭૮
  • જટાયુ, આર આર શેઠ એન્ડ કાું., મુંબઇ અને અમદાવાદ, ૧૯૮૬
  • વખાર, આર આર શેઠ એન્ડ કાું., મુંબઇ અને અમદાવાદ, ૨૦૦૮

નાટકો

  • જાગીને જોયું તો
  • લેડી લાલકુંવર
  • વૈશાખી કોયલ
  • અશ્વત્થામા આજે પણ જીવે છે (અને હણાય છે)
  • ખગ્રાસ
  • આ માણસ મદ્રાસી લાગે છે
  • તોખાર, પિયર શેફરના ઈકવસનું ગુજરાતી રૂપાંતર
  • કેમ મકનજી, ક્યાં ચાલ્યા?

સાહિત્ય-સિદ્ધાંત, વિવેચન વગેરે

  • રમણીયતાનો વાગ્વિકલ્પ, આર આર શેઠ એન્ડ કાું., મુંબઇ અને અમદાવાદ, ૧૯૭૯
  • અસ્યા સારગા વિધાઓ, ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાતી, મુંબઈ યુનિવર્સિટી, ૨૦૦૨

પુરસ્કારો

  • ૧૯૮૭માં તેમનાં કાવ્ય સંગ્રહ જટાયુ માટે તેમને ગુજરાતી લેખકનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલો.[૧]
  • ૧૯૮૭માં જ તેમને ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો.
  • ૧૯૯૭માં તેમના પુસ્તક કહો મકનજી ક્યાં ચાલ્યા ? માટે નર્મદ સુવર્ણ ચંદ્રક
  • ૨૦૦૬માં તેમને ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત થયેલો.[૧૦][૧૧][૧૨]
  • તેમને રાષ્ટ્રીય કબીર સન્માન, ઇન્ડિયન નેશન થિએટર - ગુજરાત સમાચાર પુરસ્કાર, ગુજરાત રાજ્ય સરકાર કવિતા પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલા છે.[૧][૬]
  • ૨૦૧૭માં તેમને કે. કે. બિરલા ફાઉન્ડેશન દ્વારા સરસ્વતી સમ્માન, તેમના કાવ્યસંગ્રહ વખાર માટે પ્રાપ્ત થયું.[૧૩]

સંદર્ભ

બાહ્ય કડીઓ

🔥 Top keywords: