અહમદશાહ

અમદાવાદનો સ્થાપક

અહમદશાહ અથવા અહમદ શાહ પહેલો ગુજરાતના મુઝફ્ફર વંશ અથવા મુઝફ્ફરીદ વંશનાં સુલતાન હતાં. તેમણે ઈ.સ. ૧૪૧૧થી તેમના મૃત્યુ સુધી એટલે કે ઈ.સ. ૧૪૪૨ સુધી રાજ કર્યુ. તેઓ અમદાવાદના અહેમદશાહ બાદશાહ તરીકે જાણીતાં છે. તેમણે ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ના રોજ કર્ણાવતી અને આશાવલ નગરોની પાસે સાબરમતી નદીના કિનારે અમદાવાદ શહેરની સ્થાપના કરી અને તેને પાટણથી ગુજરાત સલ્તનતનું પાટનગર બનાવ્યુ. અમદાવાદ શહેરનું નામ અહેમદશાહ બાદશાહનાં નામ પરથી પડ્યું છે.[૧]

અહમદ શાહ પહેલો
ગુજરાતનો સુલ્તાન
આખું નામનસરુદ્દીન અહમદ શાહ
મૃત્યુ૧૪૪૨
અંતિમ સંસ્કાર સ્થળઅહમદ શાહનો રોજો, અમદાવાદ, ૧૪૪૨
રાજવંશમુઝફ્ફર વંશ
પિતામહમદ શાહ પહેલો
ધાર્મિક માન્યતાઇસ્લામ
અમદાવાદ ખાતે, ગુજરાતનાં અહમદશાહ દ્વારા બંધાયેલ પ્રખ્યાત સિદી સૈયદની જાળી

પ્રારંભિક જીવન

અહમદશાહનો જન્મ મોહમ્મદશાહ પ્રથમ ઉર્ફ તાતારખાનને ત્યાં થયો હતો. તેમના પિતાએ જ્યારે તેમના દાદા મુઝફ્ફરશાહને કારાવાસમાં પૂરી દીધા ત્યારે કાકા શમ્સખાને અહમદશાહના પિતા મોહમ્મદશાહ પ્રથમની હત્યા કરી હતી.[૨]

'મિરાત-એ-અહમદી' મુજબ, મુઝફ્ફરશાહે તેમની નાદુરસ્ત તબિયતને કારણે ૧૪૧૦માં તેમના પૌત્ર અહમદશાહની તરફેણમાં સિંહાસન છોડી દીધું હતું. પાંચ મહિના અને ૧૩ દિવસ પછી તેમનું અવસાન થયું. 'મિરાત-એ-સિકંદરી' મુજબ અહમદશાહ આશાવાલના કોળીઓના બળવાને શાંત પાડવા માટે એક અભિયાન તરફ જઈ રહ્યો હતો. પાટણ છોડ્યા બાદ તેમણે ઉલેમાઓની સભા બોલાવી અને પ્રશ્ન પૂછ્યો કે શું તેમણે પોતાના પિતાના અન્યાયી મૃત્યુનો બદલો લેવો જોઈએ. ઉલેમાઓએ તેમની તરફેણમાં જવાબો આપ્યા. તે પાટણ પાછા ફર્યા અને તેમના દાદા મુઝફ્ફરશાહને ઝેર પીવા માટે મજબૂર કર્યા. અહમદશાહે ૧૪૧૧માં ૧૯ વર્ષની ઉંમરે નાસિર-ઉદ-દુન્ય-વદ-દિન અબુલ ફતેહ નામનો ખિતાબ જીત્યો હતો.[૩][૪][૫]

અવસાન

અહમદશાહનો મકબરો, અમદાવાદ

અહમદશાહ ૧૪૪૨માં તેમના જીવનના ૫૩મા વર્ષમાં અને શાસનકાળના ૩૩મા વર્ષમાં મૃત્યુ પામ્યા હતા. તેમને અમદાવાદના માણેક ચોક નજીક દફનાવવામાં આવ્યા હતા. તેમનીની કબર બાદશાહનો હજીરો તરીકે ઓળખાય છે.[૬][૫]

મૃત્યુ બાદ તેમને 'ખુદાઈગન-એ-મઘફુર' (માફ કરનાર ઈશ્વર)ની ઉપાધિ આપવામાં આવી.[૫] તેમની રાણીઓને તેની કબરની બરાબર સામે રાણીના હજીરામાં દફનાવવામાં આવી હતી.

વ્યક્તિત્વ

યુદ્ધ નેતા તરીકે તેમની બહાદુરી, કૌશલ્ય અને સફળતા તેમજ તેમની ધાર્મિકતા અને ન્યાય માટે તેમનું સન્માનિત કરવામાં આવે છે. તેમની ધાર્મિકતા ત્રણ મહાન ધાર્મિક શિક્ષકો પ્રત્યેના તેમના સન્માનમાં જોવા મળી હતી : શેખ મોઈનુદ્દીન ચિશ્તીના પ્રતિનિધિ શેખ રુક્ન-ઉદ-દિન, અજમેરના મહાન ખ્વાજા; શેખ અહમદ ખટ્ટુ, જે અમદાવાદના સરખેજ રોઝામાં દફનાવવામાં આવ્યા છે અને બુખારણ શેખ બુરહાન-ઉદ્‌-દિન જે શાહ આલમના પિતા કુત્બી આલમ તરીકે ઓળખાય છે.[૫]

અહમદશાહના ન્યાયમાંથી બે દાખલા નોંધવામાં આવ્યા છે. પોતાના મહેલની બારીમાં બેસીને સાબરમતી નદીને પૂરમાં જોઈ રહ્યા હતા ત્યારે અહમદશાહે એક મોટી માટીની બરણી તરતી જોઈ. બરણી ખોલવામાં આવી અને એક હત્યા કરાયેલી વ્યક્તિનો મૃતદેહ ધાબળામાં વીંટાળેલો મળી આવ્યો. કુંભારોને બોલાવી બરણીની ઓળખ કરાવવામાં આવી. બરણી બનવનારે તેને પડોશી ગામના મુખીને વેચવામાં આવી હોવાનું જણાવ્યું. તપાસ દરમિયાન મુખીએ અનાજના વેપારીની હત્યા કરી હોવાનું સાબિત થયું હતું અને તેને ફાંસી આપવામાં આવી હતી. અન્ય એક કિસ્સામાં અહમદશાહના જમાઈએ એક ગરીબ વ્યક્તિની હત્યા કરી હતી. કાજીએ રાજકુમારને હત્યાના ગુનામાં દોષિત ઠેરવ્યા અને દંડ ચૂકવીને રાજકુમારને છોડી મૂકવામાં આવ્યા. પોતાના જમાઈની મુક્તિની સુનાવણી કરતા અહમદશાહે જણાવ્યું કે અમીરોના ગુનાના કિસ્સામાં નાણાકીય દંડ એ કોઈ સજા નથી અને તેમના જમાઈને ફાંસી આપવાનો આદેશ આપ્યો હતો.[૫]

સંદર્ભ

ગ્રંથસૂચિ

આ પણ જુઓ

🔥 Top keywords: