રતિલાલ 'અનિલ'

ગુજરાતી કવિ, લેખક અને પત્રકાર

રતિલાલ 'અનિલ' (મૂળ નામ: રતિલાલ મૂળચંદદાસ રૂપાવાળા) (૨૨ ફેબ્રુઆરી/૧૯ ફેબ્રુઆરી ૧૯૧૯ – ૨૯ ઓગસ્ટ ૨૦૧૩) ગુજરાતી ગઝલકાર અને પત્રકાર હતા. ‘સાંદીપનિ’, ‘ટચાક’ અને ‘કલ્કિ’ તેમના અન્ય ઉપનામો હતાં. તેમણે ૨૦૦૬માં તેમના નિબંધસંગ્રહ 'આટાનો સૂરજ' માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર તેમજ ગઝલક્ષેત્રે પ્રદાન માટે વલી ગુજરાતી ગઝલ એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

જીવન

'રતિલાલ 'અનિલ'નો જન્મ ૨૨ ફેબ્રુઆરી[૧] અથવા ૧૯ ફેબ્રુઆરી[૨] ૧૯૧૯ના રોજ સુરત ખાતે થયો હતો. તેમના કુટુંબનો વ્યવસાય જરીબોર્ડર બનાવવાનો હતો. તેઓ બે વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન થયું. કુટુંબની જવાબદારી સંભાળતી માતાએ ધોરણ ૨ સુધીના પ્રાથમિક શિક્ષણ પછી તેમને ઘરના વ્યવસાયમાં જોતરી દીધા. ઘરના કાતરિયામાંથી મળી આવેલ ગુજરાતી પ્રેસની નવલકથાઓનો વાંચીને તેમણે સાહિત્યનો સ્વાધ્યાય કર્યો હતો.[૧]

૧૯૪૨માં તેઓ અસહકારના આંદોલનમાં જોડાયા અને તેમણે સાબરમતી જેલમાં છ મહિનાનો જેલવાસ ભોગવ્યો. જેલમાં તેમને વિદ્યાવ્યાસંગી અસહકારી સાથીઓનો પરિચય થયો, જેથી તેમનો સાહિત્ય સ્વાધ્યાય આગળ વધ્યો. આ સમય દરમિયાન તેમણે ગઝલો લખવા માંડી અને મુશાયરાઓમાં ભાગ લેવા માંડ્યો. તેઓ મહાગુજરાત ગઝલ મંડળના મંત્રી અને પછી પ્રમુખ બન્યા.[૧][૩]

ગાંધીજીના ભત્રીજા નારણદાસ ગાંધીએ રતિલાલને જૂનાગઢની ગિરનાર તળેટીમાં આવેલી 'રૂપાયતન' સંસ્થા સાથે જોડ્યા. ત્યાં રહી તેમણે ગાંધીવિચારના માસિક પ્યારા 'બાપુ'નું સંપાદન કર્યું, તથા ગાંધીસાહિત્ય સાથે ટાગોરના સાહિત્યનો પણ અભ્યાસ કર્યો. સુરત આવીને તેમણે 'પ્રજ્ઞા' નામના માસિકનું સંપાદન હાથ ધર્યું. તે સાથે હરિહર પુસ્તકાલયની પ્રકાશન પ્રવૃત્તિમાં મદદનીશ બન્યા, અને તે દરમિયાન જ 'ગુજરાતમિત્ર'માં કટાર લખવાનું પણ શરૂ કર્યું. તેઓ 'ગુજરાત સમાચાર'ના સામયિક 'શ્રીરંગ'માં નીરુ દેસાઈના સહયોગી બન્યા. ત્યારબાદ તેઓ 'લોકવાણી'માં અને તે પછી 'ગુજરાતમિત્ર'ના તંત્રીમંડળમાં જોડાયા. નિવૃત્તિ પછી રતિલાલે 'કંકાવટી' નામનુ સાહિત્યિક સામયિક શરૂ કર્યું અને તેના સંપાદક રહ્યાં.[૧]

તેઓ ૨૯ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ સુરત અવસાન પામ્યા હતા.[૨][૩]

સાહિત્યિક પ્રદાન

'રતિલાલ 'અનિલ'નો પ્રથમ ગઝલસંગ્રહ 'ડમરો અને તુલસી' ૧૯૫૫માં પ્રગટ થયો. ૧૯૫૬માં પ્રગટ થયેલ 'મસ્તીની પળોમાં' સંગ્રહમાં મુખ્યત્વે રુબાઈ સમાવિષ્ટ છે. તેમનો પછીનો ગઝલસંગ્રહ 'રસ્તો' ૧૯૯૭માં પ્રગટ થયો હતો. તેમણે હાસ્યક્ષેત્રે, નિબંધક્ષેત્રે તેમજ ચરિત્રલેખન ક્ષેત્રે પણ પ્રદાન કર્યું છે. હાસ્યલહરી' (૧૯૮૭) હાસ્યનું પુસ્તક છે જ્યારે 'મનહરનો ‘મ’' તેમજ 'આટાનો સૂરજ' (૨૦૦૨) એમના નિબંધસંગ્રહો છે. તેમણે લખેલ ચરિત્રાત્મક સાહિત્યમાં 'આવા હતા બાપુ' (ભાગ ૧, ૨, ૩) (૧૮૫૭, ૫૮, ૫૯) તથા 'ઇન્દિરા ગાંધી' (૧૯૭૨) તથા ગઝલકારો વિશે પરિચયાત્મક – આત્મકથનાત્મક નોંધ આપતું પુસ્તક 'સફરના સાથી' (૨૦૦૧) વેગેરેનો સમાવેશ થાય છે. ૧૯૯૭માં પ્રગટ થયેલ 'ચાંદરણાં' સૂક્તિઓ અને સૂત્રોનો સંગ્રહ છે.[૧][૩]

સન્માન

રતિલાલ 'અનિલ'ને ૨૦૦૬માં તેમના નિબંધસંગ્રહ 'આટાનો સૂરજ' માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર તેમજ ગઝલક્ષેત્રે પ્રદાન માટે વલી ગુજરાતી ગઝલ એવોર્ડ પ્રાપ્ત થયો હતો.[૨] તેમને સુરત પત્રકારમંડળ તરફથી શ્રેષ્ઠ પત્રકાર અને કટારલેખકના એવૉર્ડ મળ્યા હતા.[૧]

સંદર્ભો

🔥 Top keywords: