વિકિપીડિયા:પ્રારંભિક સંશોધન નહીં

વિકિપીડિયાનો લેખ પ્રારંભિક, પ્રાથમિક, નવનિર્મિત, નવસર્જિત, સર્જનાત્મક, મૌલિક વિચારો પ્રસિદ્ધ કરતો હોવો જોઈએ નહિ. (આપણે આ શબ્દસમૂહને હવેથી "પ્રારંભિક સંશોધન" અથવા "મૌલિક સંશોધન" એવા નામે ઓળખીશું) વિકિપીડિયા પર શબ્દસમૂહ "પ્રારંભિક સંશોધન" એવી—હકીકતો, આક્ષેપો, અને મતો કે માન્યતાઓ જેવી—વિગતો કે જેનો વિશ્વાસપાત્ર પ્રસિદ્ધ સ્રોત ઉપલબ્ધ ન હોય તેને દર્શાવે છે.[૧] સાથે કોઈ પ્રસિદ્ધ વિગતના નવા પૃથક્કરણ, વિશ્લેષણ કે સમન્વય જે મૂળ સ્રોત દ્વારા દર્શાવાયેલી વિગત કરતાં આગળ કે વિગતને અગાઉથી આગળ વધતી દર્શાવતા, જે વાસ્તવમાં મૂળ સ્રોત દ્વારા પણ સ્પષ્ટપણે દર્શાવાયું ન હોય, ને પણ દર્શાવે છે. તમે મૌલિક સંશોધન ઉમેર્યું નથી એ દર્શાવવા માટે તમે લેખનાં વિષયવસ્તુ સાથે સીધો સંકળાયેલો હોય અને કરાયેલા લખાણને ટેકો આપતો હોય તેવો વિશ્વાસપાત્ર પ્રસિદ્ધ સ્રોત જણાવવા સક્ષમ હોવા જોઈએ. (આ પ્રારંભિક સંશોધન નીતિ ચર્ચાનાં પાનાને લાગુ પડતી નથી.)

પ્રારંભિક સંશોધન પર પ્રતિબંધનો અર્થ એ છે કે લેખમાં ઉમેરાતી સઘળી વિગતો વિશ્વાસપાત્ર પ્રસિદ્ધ સ્રોત પર ઉપલબ્ધ અને ચકાસી શકાય તેવી હોવી જોઈએ, હાલ ભલે તે ખરેખર ચકાસાઈ ન હોય.[૧]ચકાસણીયોગ્યતા નીતિ દર્શાવે છે કે દરેક અવતરણો—અને એવી વિગતો જેને પડકારાયેલી હોય અથવા પડકારી શકાય તેવી હોય તેને માટે ત્યાં જ વિશ્વાસપાત્ર સ્રોતનો ઉલ્લેખ અપાયેલો હોવો જરૂરી છે—જો કે જેને પડકારાય તેવી શક્યતા ન હોય તેનો પણ સ્રોત ઉપલબ્ધ તો હોવો જ જોઈએ. દા.ત.: એક વિધાન, "ભારતની રાજધાની દિલ્હી છે" ને સ્રોતની જરૂર નથી, કારણ કે કોઈપણ વ્યક્તિ તેને પડકારે તેવી શક્યતા નથી અને આપણે સૌ જાણતા જ હોઈએ છીએ કે એ વિધાન સાબિત કરવા માટેનો સ્રોત ઉપલબ્ધ છે જ. એટલે કે ઉપરોક્ત વિધાનની સત્યાર્થતા ચકાસી શકાય તેવી (આરોપ્ય) છે, ભલે અહીં તે માટેનો સ્રોત અપાયો (આરોપણ કરાયેલું) ન હોય.

આમ છતાં વિશ્વાસપાત્ર સ્રોત દર્શાવવાની જરૂરીયાત લેખે અન્યત્રથી અહીં દર્શાવાતું લખાણ એ મૂળ સ્રોતની ઊઠાંતરી કે એનો પ્રકાશનાધિકારભંગ કરતું ન હોય તે ધ્યાન રાખવું. જ્યારે પ્રત્યક્ષપણે સ્રોતની વિગતોનો અર્થ અહીં લખવાનો હોય ત્યારે પણ લેખ ચોક્કસપણે તમારા પોતાના શબ્દોમાં જ લખાયેલો હોવો જોઈએ. (અર્થાત સ્રોતનું લખાણ બેઠેબેઠું કોપી-પેસ્ટ કરી દેવાયેલું ન હોવું જોઈએ)

"પ્રારંભિક સંશોધન નહીં" (NOR) એ ત્રણ મુખ્યમાંની એક નીતિ છે, અન્ય બે ‘નિષ્પક્ષ દૃષ્ટિકોણ અને ચકાસણીયોગ્યતા છે, જે લેખમાં કેવા પ્રકારની અને ગુણવત્તાની વિગતો સ્વિકાર્ય ગણાય તે દર્શાવે છે. કારણ કે આ નીતિઓ એકવાક્યતાથી કાર્ય કરે છે, તેનો એકબીજીથી વિરૂધાર્થ કરી શકાશે નહિ, અને સંપાદકે એ ત્રણેથી અવગત થવું જોઈએ. ‘પ્રારંભિક સંશોધન નહીં’ નીતિ વિષયક કે તે લાગુ પડતું જણાતા કોઈ લેખ કે તેના ભાગ વિશે કોઈપણ સંદેહ બાબતે સક્રિય "પ્રબંધકો"નો સંપર્ક કરવો. (હાલ અહીં એ માટેનું અલગ સૂચનપટ બનાવાયું નથી)

સ્રોતોનો વપરાશ

ઉપલબ્ધ સ્રોતમાંથી એકઠી કરેલી અને ગોઠવેલી વિગતોનું સંશોધન જે આ અને અન્ય નીતિઓની જોગવાઈઓ સાથે સુસંગત હોય એ જ્ઞાનકોશ લખવાનો પાયો છે. ઉત્તમ બાબત એ છે કે પ્રથમ જે તે વિષય માટે ઉપલબ્ધ સઘળાં સ્રોતમાંથી સૌથી વધારે વિશ્વાસપાત્ર સ્રોત વિશે સંશોધન કરો અને પછી તે શું જણાવે છે તે દરેક નિવેદન, કથન, વર્ણન, અહેવાલ, નિરૂપણ, બયાન, કેફિયત, વિધાન જે ચોક્કસપણે સ્રોત દ્વારા આરોપ્ય, ચકાસી શકાય તેમ હોય, તેને સંક્ષેપમાં અને તમારા પોતાના શબ્દોમાં અહીં લખો. સ્રોતની વિગતોને સંક્ષેપ કરતાં કે તેની વાક્યરચના બદલતાં તેનો અર્થ કે ધ્વન્યાર્થ બદલાય નહિ તેનું સાવચેતીપૂર્વક ધ્યાન રાખો. સ્રોતમાં વ્યક્ત વિગતોથી આગળ ન નિકળી જવાય કે તે વિગતોથી વિસંગત, વિપરીત હેતુની વિગતો ન થઈ જાય તેનું પણ ધ્યાન રાખો. ટૂંકમાં, સ્રોતને વળગી રહો.

જે વિષય પર વિશ્વાસપાત્ર સ્વતંત્ર કે તટસ્થ કે ત્રાહિત સ્રોતો (third-party sources) ઉપલબ્ધ ન હોય તે વિષય વિશે વિકિપીડિયા પર લેખ હશે નહિ (રાખવો નહિ). જો તમે કંઈક નવું શોધી કાઢો (શોધ કરો), તો વિકિપીડિયા એ શોધની જાહેરાત માટે નથી. (અર્થાત તમારાં અંગત કે વ્યક્તિગત શોધ-સંશોધન અહીં સ્વિકાર્ય નથી.)

વિશ્વાસપાત્ર સ્રોતો

કોઈપણ વિગત જે પડકારાયેલી હોય કે પડકારી શકાય તેવી હોય તેના ટેકામાં વિશ્વાસપાત્ર સ્રોત હોવો જરૂરી છે. જે વિગતો વિશ્વાસપાત્ર સ્રોત ન ધરાવતી હોય તે મૌલિક સંશોધન ગણાશે. તમારૂં લખાણ મૌલિક સંશોધન નથી એ દર્શાવવા માટે એ જ વિગતો ધરાવતા વિશ્વાસપાત્ર સ્રોતનો ઉલ્લેખ જરૂરી છે. અને હા, સંદર્ભયુક્ત વિગતોનો પણ તમે પૂર્વાપર સંબંધ કે તેનાં ચોક્કસ સંદર્ભ બાહ્ય ઉલ્લેખ કરતા હો અથવા તો જે તે સ્રોત દ્વારા સીધું કે ચોક્ક્સપણે દર્શાવાયું ન હોય તે રીતે વિગતોને આગળ પડતી દર્શાવતા હો તો તમે પ્રારંભિક સંશોધન કર્યા સમાન જ ગણાશે. વધુ માટે જુઓ: નીચે

સામાન્ય રીતે વિશ્વાસપાત્ર સ્રોત એટલે:

  • કાળજીપૂર્વક કે બારીકાઈથી પરીક્ષણ કે સમાલોચના કરાયેલું દૈનિક વર્તમાનપત્ર અથવા સામયિક કે દસ્તાવેજ.
  • વિશ્વવિદ્યાલયોના મુદ્રણાલય દ્વારા પ્રકાશિત પુસ્તકો.
  • વિશ્વવિદ્યાલય કક્ષાનાં પાઠયપુસ્તકો.
  • આદરણિય પ્રકાશનગૃહો દ્વારા પ્રકાશિત સામયિકો, પુસ્તકો કે નોંધપત્રો વગેરે.
  • મુખ્યધારાનાં વર્તમાનપત્રો.

વ્યાવહારિક નિયમ પ્રમાણે, જેની હકિકતોની તપાસણી, કાનૂની મામલાઓનું વિશ્લેષણ અને લખાણોની તપાસણી, ચોક્કસાઈ, નિરિક્ષણમાં જેમ વધુ લોકો સંકળાયેલા હોય તેમ તે પ્રકાશન વધુ વિશ્વસનિય ગણાય છે. (અર્થાત, સામયિક કે વર્તમાનપત્ર વગેરેનો વ્યાપ, વાચકવર્ગ જેમ વધુ તેમ તેની વિશ્વસનિયતા વધુ એવું વ્યવહારિક રીતે મનાય.) સામાન્ય રીતે સ્વ-પ્રકાશિત કે જાતે પ્રકાશિત કરાયેલું સાહિત્ય, કાગળ પર કે ઓનલાઈન, વિશ્વાસપાત્ર ગણાતું નથી. જો કે તેમાં અપવાદ માટે જુઓ.

લેખમાં અપાયેલી માહિતી દર્શાવાયેલા સંદર્ભ પર ચકાસણીયોગ્ય હોવી જ જોઈએ. સામાન્યતયા, લેખમાંના વિધાનો અચોક્કસ કે વિસંગત ફકરાઓ કે ઉતારાઓ પર કે અપાયેલા પ્રતિભાવો પર આધારીત હોવા જોઈએ નહિ. જે ફકરાઓનાં એક કરતાં વધુ અર્થ નિકળતા હોય, વિવિધ તારણો સંભવ હોય, તેને ચોક્કસપણે, સચોટપણે યોગ્ય સંદર્ભ આપો અથવા તેને અહીં લેવાનું ટાળો. વિસ્તીર્ણ કે વ્યાપક ચર્ચાનો સારાંશ સ્રોતનો (સ્રોતના લખાણનો) નિષ્કર્ષ દર્શાવે છે. અપાયેલા સંદર્ભમાં આધાર નહિ પણ (માત્ર) સારાંશો આપવા એ, સ્રોતના પ્રકારને ધ્યાને ન લેતાં (ભલે સ્રોત ગમે તેવો વિશ્વાસપાત્ર ગણાયો હોય), મૌલિક સંશોધન જ ગણાશે. સંદર્ભો જે તે વિષય પર જ અને શબ્દ કે લખાણના પૂર્વાપર સંબંધમાં જ ટાંકવામાં આવે તે મહત્વનું છે.

પ્રાથમિક, માધ્યમિક અને ત્રીજી પંક્તિના સ્રોતો

વિકિપીડિયાના લેખો વિશ્વાસપાત્ર માધ્યમિક સ્રોતો પર અને કંઈક ઓછીમાત્રામાં ત્રીજી પંક્તિના સ્રોતો અને પ્રાથમિક સ્રોતો આધારીત હોય તે અપેક્ષિત છે. લેખની નોંધપાત્રતા સ્થાપિત કરવા અને પ્રાથમિક સ્રોતોના નવિન અર્થઘટનને અવગણવા માટે માધ્યમિક અથવા ત્રીજી પંક્તિના સ્રોતો જરૂરી બને છે. ખરું જોતાં વિકિપીડિયાનાં સંપાદકો દ્વારા પ્રાથમિક સ્રોતનું જાતે કરાયેલું વિશ્લેષણ અહીં લખવા કરતાં એ પ્રાથમિક સ્રોતનાં તમામ અર્થઘટન કરાયેલા દાવાઓ, વિશ્લેષણો અથવા સંયોજીત દાવાઓ માટે માધ્યમિક સ્રોતનો સંદર્ભ અપાયેલો હોવો જોઈએ જ.

યોગ્ય કે બંધબેસતો સંદર્ભ દર્શાવવો એ અટપટું કામ છે, એ માટે અહીં કેટલાંક સામાન્ય નિયમો આપ્યા છે. લાગતા વળગતા વિષય કે વિષયવસ્તુ માટે પ્રાથમિક, માધ્યમિક કે ત્રીજી પંક્તિનો કોઈ સ્રોત સંદર્ભ તરીકે ટાંકવા માટે યોગ્ય છે કે નહીં એનો નિર્ણય કરવો એ સારાં સંપાદકિય નિર્ણય અને સામાન્ય બુદ્ધિ (કોઠાસૂઝ)નો વિષય છે અને તે વિશે જે તે લેખનાં ચર્ચાના પાને ચર્ચા થવી જોઈએ. આ નીતિનાં હેતુસર પ્રાથમિક, માધ્યમિક અને ત્રીજી પંક્તિના સ્રોતોને નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે:[૨]

  • પ્રાથમિક સ્રોતો એવી ઓરિજીનલ માહિતીઓ છે જે ઘટનાની સાવ નજીક હોય, અને જે તે ઘટનામાં સામેલ કે હાજર લોકો દ્વારા એ વિગતો લખવામાં આવી હોય. સામાન્ય રીતે એ ઘટના જેવી કે ઇતિહાસનો સમયગાળો, કોઈ કલા, રાજકિય નિર્ણય વગેરે જેવી સાથે સંકળાયેલા અંદરનાં લોકોનો દૃષ્ટિકોણ હોય છે. પ્રાથમિક સ્રોતો સ્વતંત્ર કે તટસ્થ કે ત્રાહિત સ્રોતો હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. કોઈ અકસ્માતની ઘટના બની હોય તેના આંખે દેખ્યા સાક્ષી દ્વારા લખાયેલી વિગતો એ અકસ્માત વિશેનો પ્રાથમિક સ્રોત ગણાય; એ જ રીતે, કોઈ નવા વૈજ્ઞાનિક પ્રયોગનાં નિષ્કર્ષ બાબતે એ વૈજ્ઞાનિક દ્વારા લખાયેલા દસ્તાવેજ કે નોંધ પણ પ્રાથમિક સ્રોત ગણાય. ઐતિહાસિક દસ્તાવેજ જેવા કે રોજનિશી વગેરે પણ પ્રાથમિક સ્રોત ગણાશે.[૩]
નીતિ:અન્ય નીતિઓ દ્વારા બાધિત ન થતું હોય તો, વિશ્વાસપાત્ર પ્રસિદ્ધ થયેલા પ્રાથમિક સ્રોતો વિકિપીડિયા પર વાપરી શકાય છે; પણ સાવચેતીપૂર્વક, કારણ કે તેનો દૂરઉપયોગ સહેલાઈથી થઈ શકે છે.[૪] પ્રાથમિક સ્રોત દ્વારા પ્રાપ્ત વિગતોનું કોઈપણ અર્થઘટન માટે એ અર્થઘટનને ટેકો આપતા અન્ય વિશ્વાસપાત્ર માધ્યમિક સ્રોતની જરૂર રહે છે. વિકિપીડિયા પર વાસ્તવિકતાના, ઘટનાના, સીધા અને સરળ વર્ણનાત્મક વિધાનો માત્ર એ પુરતા જ વપરાય છે કે કોઈપણ શિક્ષિત વ્યક્તિ, કોઈ વિશેષિત જ્ઞાનની જરૂર વગર, સ્રોત સુધી પહોંચી અને તેને ચકાસી શકે. દા.ત. નવલકથા વિષયક એક લેખ પર તેની કથાવસ્તુ સમજાવવા માટે ફકરાઓનો સંદર્ભ આપી શકાય, પણ એનું (એટલે કે કથાવસ્તુ કે પુસ્તકનું કે ફકરાઓનું) વિશ્લેષણ માત્ર માધ્યમિક સ્રોત ટાંકીને જ લખી શકાય. વિશ્વાસપાત્ર માધ્યમિક સ્રોતનાં સંદર્ભ વગર, પ્રાથમિક સ્રોત દ્વારા પ્રાપ્ત વિગતોનું તમારી જાતે વિશ્લેષણ, પૃથક્કરણ, સમન્વય, અર્થઘટન, કે મૂલ્યાંકન ન કરો. આખો લેખ પ્રાથમિક સ્રોતના આધારે ન લખો. પ્રાથમિક સ્રોતના આધારે મોટા ફકરાઓ લખવામાં સાવધાન રહો. તમારા વ્યક્તિગત અનુભવો આધારીત વિગતોને અસંદર્ભ ઉમેરો નહીં, કારણ કે એનાથી વિકિપીડિયા એ વિગતો માટેનો પ્રાથમિક સ્રોત બની જશે. અને જ્યારે જીવંત વ્યક્તિત્વ વિષયક પ્રાથમિક સ્રોતનો ઉપયોગ કરો ત્યારે ખાસ કાળજી રાખો, આ નીતિ છે.
  • માધ્યમિક સ્રોતો એ હોય છે જેમાં સામાન્ય રીતે ઘટનામાંથી એક તબક્કો હટાવાય છે અને લેખક દ્વારા પ્રાથમિક સ્રોતો આધારીત સ્વચિંતન રજુ કરાય છે. તેમાં લેખક દ્વારા તથ્યોનું વિશ્લેષણ, પૃથક્કરણ, સમન્વય, અર્થઘટન, કે મૂલ્યાંકન કરાયેલું હોય છે અને પુરાવાઓ, વિભાવના તથા વિચારો પ્રાથમિક સ્રોતમાંથી મેળવેલા હોય છે. માધ્યમિક સ્રોતો અનિવાર્યપણે સ્વતંત્ર કે તટસ્થ કે ત્રાહિત સ્રોતો હોય જ એવું જરૂરી નથી. તેઓ તેના વિશ્લેષણ અથવા મૂલ્યાંકનાત્મક દાવાઓ માટે જે તે વિગતોના પ્રાથમિક સ્રોતો પર આધારીત હોય છે.[૫] દા.ત. કોઈ સંશોધનપત્રની સમીક્ષા કરતો લેખ એ સંશોધન માટેનો માધ્યમિક સ્રોત છે.[૬] સ્રોત પ્રાથમિક ગણાય કે માધ્યમિક એ પૂર્વાપર સંબંધ, સંદર્ભ પર આધારીત છે. દ્વિતિય વિશ્વયુદ્ધ પર લખાયેલું એક પુસ્તક દ્વિતિય વિશ્વયુદ્ધ વિશેનો માધ્યમિક સ્રોત ગણાય, પણ જો તેમાં લેખકનો યુદ્ધ વિષયક જાતઅનુભવ વર્ણવાયો હોય તો તે અનુભવો પુરતું તેને પ્રાથમિક સ્રોત ગણવું પડે. એક પુસ્તકનો પરિચય પણ મંતવ્ય, સારાંશ કે વિદ્વતાપૂર્ણ વિશ્લેષણ હોઈ શકે છે.[૭]
નીતિ:વિકિપીડિયાના લેખો સામાન્યરીતે વિશ્વાસપાત્ર માધ્યમિક સ્રોતો પર આધારીત હોય છે. લેખો પૃથક્કરણાત્મક, વિશ્લેષણાત્મક કે મૂલ્યાંકનાત્મક દાવો "ત્યારે જ" કરી શકે "જ્યારે" તે વિશ્વાસપાત્ર માધ્યમિક સ્રોતના આધારે પ્રકાશિત થયા હોય.
  • ત્રીજી પંક્તિના સ્રોતો એટલે જ્ઞાનકોશો અને અન્ય સંક્ષેપ જે પ્રાથમિક અને માધ્યમિક સ્રોતોના સારરૂપ હોય. વિકિપીડિયા ત્રીજી પંક્તિનો સ્રોત ગણાય. ઘણાં પરિચયાત્મક પૂર્વસ્નાતક કક્ષાના પુસ્તકોની ગણના પણ ત્રીજી પંક્તિના સ્રોતમાં થઈ શકે કેમ કે તે એક કરતા વધુ માધ્યમિક સ્રોતોના એકત્રીકરણરૂપ હોય છે.
નીતિ:જેમાં ઘણાં પ્રાથમિક અને માધ્યમિક સ્રોતો સંકળાયેલા હોય તેવા વિષયનો વિસ્તીર્ણ સારાંશ આપવામાં ભરોસાપાત્ર રીતે પ્રકાશિત ત્રીજી પંક્તિના સ્રોતો મદદરૂપ બની શકે છે, અને કદાચ યોગ્ય ભારાંકનું મૂલ્યાંકન કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે, ખાસ તો ત્યારે જ્યારે પ્રાથમિક અને માધ્યમિક સ્રોતો એકમેવ સાથે વિરોધાભાસી જણાતા હોય. કેટલાંક ત્રીજી પંક્તિના સ્રોતો અન્યો કરતાંએ વધુ વિશ્વાસપાત્ર હોય છે, અને આમ અપાયેલા ત્રીજી પંક્તિના સ્રોતોનાં સંદર્ભયુક્ત લેખો અન્ય કરતાં વધુ વિશ્વાસપાત્ર હોય છે. વિકિપીડિયાના લેખો વિકિપીડિયાના અન્ય લેખોને ત્રીજી પંક્તિના સ્રોત/સંદર્ભ લેખે વાપરી શકતા નથી, પણ તે ક્યારેક વિકિપીડિયા વિશેનાં લેખોમાં જ પ્રાથમિક સ્રોત તરીકે વાપરી શકાય છે. (જુઓ શ્રેણી:વિકિપીડિયા અને શ્રેણી:વિકિપરિયોજના વિકિપીડિયા લેખો).

પ્રસિદ્ધ વિગતોનો સમન્વય જે સ્થિતિને અગાઉથી આગળ વધતી દર્શાવે

વિવિધ સ્રોતોની વિગતને એકઠી કરી, એમાંના કોઈ સ્રોત પર નિશ્ચિતપણે દર્શાવાયું ન હોય એવા તારણ પર પહોંચવાનો પ્રયાસ ન કરો. ધારો કે એક વિશ્વાસપાત્ર સ્રોત વાત ‘અ’ કહે, અને બીજો વિશ્વાસપાત્ર સ્રોત વાત ‘બ’ કહે, તો વાત ‘અ’ અને વાત ‘બ’ ને જોડી અને એ બંન્ને સ્રોત જે કહેતા નથી એવું તારણ કાઢી એને વાત ‘ક’ તરીકે રજુ ન કરો. એ બાબત પ્રકાશિત વિગતોનો "સમન્વય" ગણાશે અને બાબતને ‘અગાઉથી આગળ વધતી દર્શાવશે’, જેને પ્રારંભિક સંશોધન ગણવામાં આવશે. (જે અહીં અમાન્ય છે.)[૮] ‘અ’ અને ‘બ’ એટલે ‘ક’ એ માત્ર ત્યારે જ સ્વિકાર્ય બનશે જ્યારે કોઈ વિશ્વાસપાત્ર સ્રોત/સંદર્ભ લેખના વિષય પરત્વે એ જ બાબત જણાવતો હોય. જો એક સ્રોત કોઈ એક અર્થમાં વાત ‘અ’ કહેતો હોય, અને તેને જોડ્યા વગર બીજા અર્થમાં વાત ‘બ’, અને એટલે કે ‘ક’ એવું તારણ અપાયું ન હોય, તો એટલે કે ‘ક’ એવું લેખમાં લખો નહીં.

  • મૌલિક સમન્વયનું એક સાદું ઉદાહરણ:
N સંયુક્ત રાષ્ટ્રસંઘનું ધ્યેય આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાનું છે, પણ તેનાં ગઠન પછી વિશ્વમાં ૧૬૦ જેટલાં યુદ્ધો થયા છે.
  • વાક્યનાં બંન્ને ભાગ કદાચ વિશ્વાસપાત્ર સ્રોત મારફત જ મેળવાયેલા હશે, પણ અહીં તે બંન્નેનો સમન્વય કરી અને એવું સાબીત કરવા પ્રયત્ન થયો હોવાનું જણાય છે કે જાણે સંયુક્ત રાષ્ટ્રસંઘ વિશ્વશાંતિ જાળવવામાં નિષ્ફળ ગયું છે. "જો કોઈ વિશ્વાસપાત્ર સ્રોત પર આ પ્રકારે વિગતોનો સમન્વય ન કરાયેલો હોય તો, એ પ્રારંભિક સંશોધન જ ગણાશે." (એટલે અમાન્ય ઠરશે). સમાન વિગતોના ઉપયોગ દ્વારા જ વિરુદ્ધાર્થ કઢાવો એ સામાન્ય વાત છે, અહીં નીચે દર્શાવાયું છે કે મૂળ સ્રોત એવું ન જણાવતો હોય છતાં એની વિગતોના ઉપયોગ દ્વારા કેટલી સહેલાઈથી એ વિગતોને તોડી-મરોડીને રજુ કરી શકાય છે.:
N સંયુક્ત રાષ્ટ્રસંઘનું ધ્યેય આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાનું છે, અને તેનાં ગઠન પછી વિશ્વમાં માત્ર ૧૬૦ જેટલાં યુદ્ધો થયા છે.
  • નીચે મૌલિક સમન્વયનું વધુ જટિલ ઉદાહરણ આપ્યું છે, જે (અંગ્રેજી)વિકિપીડિયાના એક લેખ પર વાસ્તવમાં બે લેખકો, જેને આપણે સ્મિથ અને જોન નામે ઓળખીશું, વચ્ચે થયેલા વિવાદ પર આધારીત છે. પ્રથમ ફકરો બરાબર છે, કારણ કે એનાં દરેક વાક્યને આ વિવાદ વિષયક સ્રોતોમાંથી ચોક્કસાઈપૂર્વક સંદર્ભ આપવામાં આવ્યો હતો:
Y સ્મિથનો દાવો હતો કે જોન અન્ય લેખકોનાં પુસ્તકમાંથી સંદર્ભની કોપી કરી અને ‘પ્લેજરિઝમ (અન્યનાં વિચાર કે લખાણની ચોરી)’ આચરે છે. જોને પ્રતિભાવ આપ્યો કે એમ કરવું એ અન્ય લોકોનાં પુસ્તકો દ્વારા નવા સંદર્ભો શોધવા માટેનું સ્વિકાર્ય વિદ્વતાપૂર્ણ આચરણ છે.
  • હવે જુઓ મૌલિક સમન્વય:
N જો જોને મૂળ સ્રોતોનો આશરો ન લીધો હોત, તો તે હાવર્ડનાં "સસંદર્ભ લખો" એ સૂચનાપત્રની વિરુદ્ધનું આચરણ ગણાત, જે વાસ્તવમાં સલાહ લેવાયેલા સ્રોતને સંદર્ભ લેખે ટાંકવાની જરૂરીયાત દર્શાવે છે. હાવર્ડનું સૂચનપત્ર આને ‘પ્લેજરિઝમ’ના નિયમનાં ભંગ સમાન ગણતું નથી. ઉલટું પ્લેજરિઝમની વ્યાખ્યા તો એ છે કે, સ્રોતમાંની વિગતો, વિચારો, શબ્દો, અથવા બંધારણ એ સ્રોતનો સંદર્ભ આપ્યા વગર જ લખવા.

આ બીજો ફકરો પ્રારંભિક કે મૌલિક સંશોધન છે કારણ કે તે વિકિપીડિયાનાં સંપાદકનો અભિપ્રાય વ્યક્ત કરે છે જે, ‘પ્લેજરિઝમ’ની હાવર્ડનાં સૂચનપત્ર માંહ્યલી વ્યાખ્યા છે, જોને આવું કંઈ કહ્યું નથી. આ બીજા ફકરાને આ નીતિ (પ્રારંભિક સંશોધન નહીં નીતિ) સુસંગત બનાવવા માટે, એક વિશ્વાસપાત્ર સ્રોતની જરૂર રહેશે, જે "સ્મિથ અને જોન વિવાદ પર પ્લેજરિઝમ અને હાવર્ડ સૂચનપત્ર વિશે સમાન મુદ્દો ઉઠાવતો પ્રતિભાવ દર્શાવતો હોય". બીજા શબ્દોમાં કહીએ તો, વિકિપીડિયા પર પ્રસિદ્ધ કરાતા પહેલાં જે તે વિષય પરનું ચોક્કસ તારણ અન્ય કોઈ વિશ્વાસપાત્ર સ્રોત પર પ્રકાશિત થયેલું હોવું જ જોઈએ.

અસલ કે જાતે લીધેલાં ચિત્રો

વિશ્વના ઘણાં દેશોના પ્રકાશનાધિકાર કાયદાઓને કારણે, બહુ ઓછાં એવા ચિત્રો ઉપલબ્ધ છે જે વિકિપીડિયા માટે વાપરી શકાય. આથી સંપાદકોને તેનાં પોતાના (જાતે લીધેલા કે પોતે જ હક્ક ધરાવતા હોય તેવા) ચિત્રો અહીં ચઢાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. જે તેઓ યોગ્ય ક્રિએટિવ કોમન્સ (Creative Commons) પરવાનગીઓ (licenses) અથવા તો અન્ય મુક્ત પરવાનાઓ હેઠળ અહીં ચઢાવી શકે છે. વિકિપીડિયનો દ્વારા જાતે લેવામાં આવેલાં મૂળ ચિત્રોને, જ્યાં સુધી તે આ નીતિ પાછળનું મુખ્ય કારણ, અપ્રકાશિત વિચારો કે દલીલોને દર્શાવતા કે ઓળખાવતા ન હોય, ત્યાં સુધી પ્રારંભિક સંશોધન માનવામાં આવતું નથી. લેખનાં મુખ્ય લખાણની જેમ જ ચિત્રનોંધ પણ આ નીતિને બાધ્ય રહેશે.

સંપાદક દ્વારા ચિત્રમાં ફેરફાર કરી તેના દ્વારા દર્શાવાતી સ્થિતિ કે તથ્યોને વિકૃત કરી બતાવાય એ સ્વિકાર્ય બનશે નહીં. ફેરફાર કે વિકૃત કરાયેલાં ચિત્રોની નોંધ આ પ્રમાણે જ લેવાશે. કોઈપણ ફેરફાર કરાયેલું ચિત્ર, કે જે દ્વારા જ્ઞાનકોશની શાખને અસર (ખરાબ અસર) થઈ શકે તેમ હોય તેને, હટાવવા યોગ્ય ગણવામાં આવશે. જીવંત વ્યક્તિઓનાં ચિત્રો વિષયને ખોટી રીતે રજૂ કરતા કે તેમને માટે અવમાનકર્તા હોય તે રીતના દર્શાવવા નહિ. ટૂંકમાં, કોઈ વ્યક્તિનું ચિત્ર તેમને માટે અપમાનકર્તા બને તે પ્રકારે દર્શાવી શકાશે નહીં.

ભાષાંતરો કે ઉતારાઓ

સ્રોતની વિગતોનું વફાદારીપૂર્વક, એકનિષ્ઠાથી, સત્યપણે, ચોક્કસાઈપૂર્વક, શુદ્ધભાવે ગુજરાતીમાં ભાષાંતર કરવું કે, દૃશ્ય-શ્રાવ્ય માધ્યમમાં બોલાયેલા શબ્દોની નકલ ઉતારવી (લખવા), એ બાબત પ્રારંભિક સંશોધન તરીકે ગણાશે નહીં.

નિયમિત ગણતરીઓ

રોજિંદી, નિયમ પ્રમાણેની ગણતરીઓ, જે સ્રોતની વિગતોને અર્થપૂર્ણ રીતે દર્શાવતી હોય અને ગણતરીઓનું પરિણામ સ્પષ્ટપણે, દેખીતું જ, સાચું હોવા બાબતે સંપાદકો સહમત હોય, તે પ્રારંભિક સંશોધન ગણાશે નહીં. અંકો ઉમેરવા, એકમોનું પરિવર્તન કરવું (કિલોનાં માઈલ વગેરે), વ્યક્તિઓની ઉંમરની ગણતરી, વગેરે રોજિંદી ગણતરીઓનાં ઉદાહરણો છે.

સંલગ્ન નીતિઓ

ચકાસણીયોગ્યતા

નિષ્પક્ષ દૃષ્ટિકોણ

આ પણ જુઓ

નોંધ

🔥 Top keywords: