કોરોનાવાયરસ રોગ ૨૦૧૯

સાર્સ કોરોનાવાયરસ ૨ (II) વડે મનુષ્યોમાં થતો શ્વસનનો રોગ

કોરોનાવાયરસ રોગ ૨૦૧૯ (COVID-19, કોવિડ-૧૯) એ સાર્સ કોરોનાવાયરસ ૨ (SARS-CoV-2) દ્વારા થતો ચેપી રોગ છે,[૮] જે સાર્સ વાયરસ જોડે સામ્યતા ધરાવે છે.[૯][૧૦] સાર્સ કોરોનાવાયરસ ૨ ને અગાઉ નોવેલ કોરોનાવાયરસ (n-CoV) તરીકે ઓળખવામાં આવતો હતો.[૧૧] આ રોગ ૨૦૧૯-૨૦માં કોરોનાવાયરસની મહામારી ફાટી નીકળવાનું કારણ છે.[૧૨] આ વાયરસ વડે અસરગ્રસ્ત લોકોમાં સામાન્ય રીતે કોઇ લક્ષણો હોતા નથી અથવા તો તાવ, સુકી ઉધરસ, થાક અને શ્વાસની તકલીફ થઈ શકે છે.[૫][૧૩][૧૪] ગળામાં સોજો, વહેતું નાક અથવા છીંક આવવી જેવા લક્ષણો ઓછા જોવા મળ્યા છે.[૧૫] રોગના પરિણામે વધુ અશક્ત લોકોમાં ન્યુમોનિયા અને વિવિધ અંગોનાં નિષ્ફળ થવાની પણ શક્યતા રહેલી હોય છે.

કોરોનાવાયરસ રોગ ૨૦૧૯
(COVID-19)
અન્ય નામો
  • 2019-nCoV શ્વસનતંત્રનો જટિલ રોગ
  • નોવેલ કોરોનાવાયરસ ન્યુમોનિયા[૧]
  • વુહાન કોરોનાવાયરસ, વુહાન વાયરસ, વુહાન ન્યુમોનિયા[૨][૩] વુહાન ફ્લ્યુ[૪]
  • સામાન્ય બોલચાલમાં "કોરોના"
કોરોનાવાયરસ રોગનાં લક્ષણો
ઉચ્ચાર
ખાસિયતઅત્યંત જટિલ શ્વાસોચ્છ્વાસનો ચેપ
લક્ષણોતાવ, સૂકો કફ, શ્વાસની તકલીફ[૫]
જટિલ લક્ષણોવાયરલ ન્યુમોનિયા, ARDS, કિડનીની નિષ્ફળતા
કારણોSARS-CoV-2
નિદાન પદ્ધતિrRT-PCR ચકાસણી, એન્ટિજન ચકાસણી, CT સ્કેન
રોકવાની પદ્ધતિવારંવાર હાથ ધોવા, કફ ન ફેલાય તેની તકેદારી રાખવી, ચેપગ્રસ્તો અને શક્યત: ચેપગ્રસ્તોને અલગ રાખવા, એકબીજાથી અંતર જાળવવું
સારવારલક્ષણની સારવાર અને સંભાળ
દર્દીઓની સંખ્યા૪૩,૪૨,૫૬૫ નોંધાયેલ[૬]
મૃત્યુઓ૨,૯૬,૬૯૦[૬](નોંધાયેલ દર્દીઓના ૬.૮%[૭] જેટલા)

COVID-19 મોટાભાગે ખાંસી અથવા છીંક વડે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં પ્રસરે છે.[૧૬][૧૭] લક્ષણો દેખાવાનો સમય સામાન્ય રીતે ૨ થી ૧૪ દિવસોની વચ્ચે હોય છે, જેમાં સરેરાશ ૫ દિવસનો સમય છે.[૧૮][૧૯][૨૦] નિદાન માટેની સામાન્ય પદ્ધતિમાં નાકનું દ્રવ્ય અથવા ગળફાની તપાસ કરવામાં આવે છે, જે કેટલાક કલાકોથી ૨ દિવસ સુધીમાં પરિણામ આપે છે. લોહીની ચકાસણી કરીને પણ થોડા દિવસમાં પરિણામ મળી શકે છે.[૨૧] વાયરસના લક્ષણો, જોખમી પરિબળો અને ન્યુમોનિયાના લક્ષણો દર્શાવતી ફેફસાના સીટી સ્કેનના સંયુક્ત આધાર પર પણ આ ચેપનું નિદાન થઈ શકે છે.[૨૨]

વારંવાર હાથ ધોવા, ખાંસી હોય તેવા લોકોથી અંતર જાળવવું અને હાથ ધોયા વગર ચહેરાને સ્પર્શ ન કરવો એ આ રોગને રોકવા માટેના ઉપાય છે.[૨૩] જ્યારે ખાંસી આવે છે ત્યારે નાક અને મોંને રૂમાલ અથવા કોણી વાળીને ઢાંકવાની ભલામણ કરવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ લોકોને ભલામણ કરી છે કે જેમને શંકા છે કે તેઓ વાયરસ ધરાવે છે તેઓ મોઢા પર ઢાંકવાનું માસ્ક પહેરે અને રૂબરુ ડોક્ટરની મુલાકાત લે. શંકાસ્પદ ચેપી લોકોની દેખભાળ લઇ રહેલા લોકો માટે પણ માસ્કની ભલામણ કરવામાં આવી છે.[૨૪][૨૫] [૨૬] આ રોગમાં મૃત્યુનો દર ૧% થી ૩% ની વચ્ચે અંદાજવામાં આવે છે.[૨૭][૨૮]

WHO એ વર્ષ ૨૦૧૯-૨૦ના કોરોનાવાયરસ ફાટી નીકળવાની ઘટનાને આંતરરાષ્ટ્રીય કક્ષાની જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે.[૨૯][૩૦] ૭ માર્ચ ૨૦૨૦ સુધીમાં રોગનો ફેલાવો ૬ ખંડોના વિવિધ દેશોમાં ફેલાઇ ગયો હતો.[૩૧] ૧૧ માર્ચ ૨૦૨૦ના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને મહામારી જાહેર કર્યો હતો.[૩૨]

૨૦૨૧ની શરૂઆતથી વિવિધ રસી કાર્યક્રમો વિશ્વમાં શરૂ થયા છે. ભારતમાં કોવેક્સિન અને કોવિડશિલ્ડ રસીઓ પ્રાપ્ત છે.

ચિહ્નો અને લક્ષણો

વાયરસનો ચેપ પામેલા લોકોને તાવ, કફ અને શ્વાસની તકલીફના ચિહ્નો દેખાય છે.[૫][૧૩][૧૪] અતિસાર અને છીંક, વહેતું નાક અને ગળામાં ખારાશ જેવાં ચિહ્નો ઓછા જોવા મળે છે.[૧૫] આ ચિહ્નો ન્યુમોનિયા, વિવિધ-અંગોની નિષ્ફળતા અને મૃત્યુ સુધી જઇ શકે છે.[૩૩][૧૨]

વિશ્વ આરોગ્ય સંગઠનના (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) અનુસાર ૧ થી ૧૪ દિવસો સુધીમાં અને સરેરાશ ૫ થી ૬ દિવસમાં કોરોનાવાયરસ રોગના લક્ષણો દેખાવાના શરૂ થાય છે.[૩૪][૩૫]

WHO એ ચીનમાં પરિક્ષણ કરેલા ૫૫,૯૨૪ કેસની તપાસ કરીને નીચેના ચિહ્નો અને લક્ષણોની ટકાવારી તારવી છે:[૩૬]

રોગના સામાન્ય લક્ષણો[૩૬]
ચિહ્નોટકાવારી
તાવ૮૭.૯%
સૂકી ખાંસી૬૭.૭%
થાક૩૮.૧%
કફ૩૩.૪%
શ્વાસની તકલીફ૧૮.૬%
સ્નાયુઓ અથવા સાંધાનો દુખાવો૧૪.૮%
ગળામાં ખારાશ૧૩.૯%
માથાનો દુખાવો૧૩.૬%
ઠંડી૧૧.૪%
વહેતું નાક અથવા ઉલ્ટી૫%
નાક બંધ થવું૪.૮%
અતિસાર૩.૭%
કફમાં લોહી પડવું૦.૯%
આંખનો ચેપ૦.૮%

૧૦૯૯ ચીનના દર્દીઓ પર કરેલા પરીક્ષણો મુજબ સીટી સ્કેન પરથી ૫૬% દર્દીઓમાં ફેફસાની તકલીફ જોવા મળી હતી, પરંતુ ૧૮% માં કોઇ રેડિયોલોજી વડે મેળવી શકાતા લક્ષણો ન હતા. ૫% દર્દીઓને ICUમાં ભરતી કરાયા હતા જ્યારે ૨.૩%ને કૃત્રિમ શ્વાસ ચડાવવાની જરૂર પડી હતી અને ૧.૪%નું મૃત્યુ થયું હતું.[૩૭] એવું જણાયું છે કે વયસ્ક વ્યક્તિઓ કરતાં બાળકોમાં આ રોગ ઓછો જોવા મળે છે, પરંતુ તેના કોઇ પૂરતા પૂરાવા હજુ મળ્યા નથી.[૩૮]

કારણ

આ રોગ સાર્સ કોરોનાવાયરસ-૨ (SARS-CoV-2)થી થાય છે, જે અગાઉ ૨૦૧૯ નોવેલ કોરોનાવાયરસ તરીકે (2019-nCoV) ઓળખાયો હતો.[૯] તે મુખ્યત્વે કફ અને છીંક વડે શ્વાસમાંના પ્રવાહી દ્રવ્ય વડે ફેલાય છે.[૩૯] વાયરસનો મૂળ ઉદ્ભવ પ્રાણીઓમાંથી થયો હોવો જોઇએ એમ મનાય છે.[૪૦] ડિસેમ્બર ૨૦૧૯માં હુનાનના દરિયાઇ ખોરાકના બજારમાં પ્રાણીમાંથી મનુષ્યમાં આ રોગ ફેલાવાની ઘટના બની હતી. મનુષ્યથી મનુષ્યમાં રોગ ફેલાવાનો પ્રથમ કિસ્સો જાન્યુઆરી ૨૦૨૦ની શરૂઆતમાં જોવા મળ્યો હતો.[૪૧][૪૨]

COVID-19[હંમેશ માટે મૃત કડી] માટેની CDC rRT-PCR ચકાસણી કીટ[૪૩]

ફેલાવો અટકાવવાના ઉપાયો

રોગનો ફેલાવો અને તેની સાથે આરોગ્ય સંસ્થાઓની દર્દીઓની સારવારની ક્ષમતા વિશે માહિતી આપતો આલેખ.[૪૪]
ફેલાવા વિશના આલેખનું અન્ય એક સ્વરૂપ[૪૫][૪૬]

વિશ્વના વિવિધ આરોગ્ય સંગઠનોએ રોગ અને ચેપ વધુ ફેલાતો અટકાવવા માટેની પદ્ધતિઓ જાહેર કરી છે. આ પદ્ધતિઓમાં અન્ય કોરોનાવાયરસ રોગોની જેમ: ઘરે રહેવું, જાહેર સ્થળોએ પ્રવાસ ન કરવો, વારંવાર સાબુ અને પાણીથી હાથ ધોવા; આંખ, નાક અને મોઢાને હાથ ધોયા વગર ન અડકવું; અને શ્વસન અવયવોને સ્વચ્છ રાખવા જેવા પગલાંઓનો સમાવેશ થાય છે.[૪૭][૪૮]

તંદુરસ્ત લોકોએ ચીન સિવાયના દેશોમાં મોઢાં પરના માસ્ક પહેરવાની જરૂર નથી એમ જણાવવામાં આવ્યું છે.[૪૯][૫૦][૫૧]

ચેપગ્રસ્ત લોકોએ તબીબી સારવાર સિવાય ઘરની બહાર ન નીકળવાની સલાહ અપાઇ છે અને સારવાર માટે જતા પહેલાં જાણ કરવી; મોઢાં પર જાહેરમાં મોઢાં-નાકને ઢાંકતો માસ્ક પહેરવો; છીંક અને ખાંસીને રૂમાલ વડે ઢાંકવી; નિયમિત સાબુ-પાણી વડે હાથ ધોવા અને અંગત વસ્તુઓને અન્ય લોકો સાથે ન વાપરવાની સલાહ અપાઇ છે.[૫૨]

વધુમાં સાબુથી હાથ ધોતી વખતે ઓછામાં ઓછા ૨૦ સેકંડ સુધી હાથ ધોવાનું સૂચન કરાયું છે - ખાસ કરીને શૌચાલય ગયા પછી, જમતા પહેલા તેમજ શરદી-ખાંસી થઇ હોય ત્યારે. આલ્કોહોલ યુક્ત હાથ સાફ કરવાના પ્રવાહીઓનો (જેમાં ઓછામાં ઓછું ૬૦ ટકા આલ્કોહોલ હોય) ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે.[૫૩] હાથ ધોયા વગર આંખ, નાક અને મોઢાંને ન અડવાનું જણાવવામાં આવ્યું છે.[૫૪]

૨૦૨૦ની શરૂઆતમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જણાવ્યું છે કે SARS-CoV-2ની રસી માટે ઓછામાં ઓછો ૧૮ મહિનાનો સમય લાગી શકે છે.[૫૫]

રોગનો ફેલાવાનો અભ્યાસ

મૃત્યુદર પ્રાપ્ત આરોગ્ય સેવાઓ, દર્દીની ઉંમર અને વસ્તીમાં હાજર આરોગ્ય સમસ્યાઓ અને ન નોંધાયેલા દર્દીઓ પર આધાર રાખે છે.[૫૬][૫૭] પ્રાથમિક સંશોધન મુજબ મૃત્યુનો દર ૨ થી ૩ ટકા વચ્ચે નો છે;[૨૭] જાન્યુઆરીમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ ૩% દર દર્શાવ્યો હતો,[૫૮] અને ફેબ્રુઆરીમાં ૨% દર હુબેઇ પ્રાંતમાં જોવા મળ્યો હતો.[૫૯]

આ રોગચાળો વધુ વસ્તી ગીચતા ધરાવતા પ્રદેશો અથવા બીજા વિસ્તારમાં પ્રવાસ કરતા લોકોમાં વધુ ફેલાય છે. સંશોધન મુજબ ફેલાવાનો દર ૨.૩૫ થી ૧.૦૫ સુધી પ્રવાસ નિયંત્રણ વડે લાવી શકાય છે.[૬૦]

૯ લોકોના અભ્યાસ પરથી માતાથી નવા જન્મેલા બાળકમાં રોગ ફેલાતો નથી.[૬૧] વુહાનમાં અભ્યાસ દરમિયાન સેક્સથી રોગ ફેલાવો જોવા મળ્યો નથી પરંતુ તે દરમિયાન અન્ય માર્ગોથી આ રોગ પ્રસરી શકે છે.[૬૨]

આ પણ જુઓ

સંદર્ભ

બાહ્ય કડીઓ

  • [૧] સંગ્રહિત ૨૦૨૧-૦૬-૨૪ ના રોજ વેબેક મશિન | નવો ખતરોઃ કોરોનાની બીજી લહેર બાદ સાઈટોકાઈન સ્ટ્રોમના કેસોમાં પણ વધારો.
🔥 Top keywords: